Get The App

ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવા મુદ્દે ઝઘડામાં રીક્ષાચાલક પર ત્રણ શખ્સનો ચપ્પુથી હુમલો

46 હજાર ફોલોઅર્સ ધરાવતા ધો.12 ના વિદ્યાર્થી દેવેન્દ્ર ઉર્ફે ડેવીડ તિવારીને આકાશ રાજપૂતે પોતાના ફોલોઅર્સ વધે તે માટે ફોલો કરવા કહેતા ઝઘડો થયો હતો

ઝઘડામાં વચ્ચે પડેલા ડેવીડના બનેવી રામપ્રકાશ દુબેના પેટમાં છરો મારતા આંતરડા બહાર આવી ગયા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવા મુદ્દે ઝઘડામાં રીક્ષાચાલક પર ત્રણ શખ્સનો ચપ્પુથી હુમલો 1 - image


- 46 હજાર ફોલોઅર્સ ધરાવતા ધો.12 ના વિદ્યાર્થી દેવેન્દ્ર ઉર્ફે ડેવીડ તિવારીને આકાશ રાજપૂતે પોતાના ફોલોઅર્સ વધે તે માટે ફોલો કરવા કહેતા ઝઘડો થયો હતો

- ઝઘડામાં વચ્ચે પડેલા ડેવીડના બનેવી રામપ્રકાશ દુબેના પેટમાં છરો મારતા આંતરડા બહાર આવી ગયા


સુરત, : સુરતના પાંડેસરામાં ઇન્સ્ટાગ્રામમાં 46 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ધો.12 ના વિદ્યાર્થીને ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવા બાબતે દબાણ કરતા થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા તેના રીક્ષાચાલક બનેવી પર ત્રણ વ્યક્તિએ હુમલો કરતા તેના આંતરડા બહાર આવી ગયા હતા.રીક્ષાચાલકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા પાંડેસરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં પાંડેસરા ભક્તિનગર સોસાયટી પ્લોટ નં.7 માં રહેતા શાકભાજીની લારી ધરાવતા રામઆશ્રય તિવારીનો 19 વર્ષીય પુત્ર દેવેન્દ્ર ઉર્ફે ડેવીડ પાંડેસરા સરસ્વતી હિંદી વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે.ઇન્સ્ટાગ્રામમાં 46 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતો દેવેન્દ્ર ઉર્ફે ડેવીડ શુક્રવારે મધરાત બાદ મિત્ર કુશાલ મિશ્રા સાથે પાંડેસરા મહાદેવનગર પ્લોટ નં.394 માં રહેતા અને રીક્ષા ચલાવતા બનેવી રામપ્રકાશ ઓમકારનાથ દુબે ( ઉ.વ.34 ) ના ઘરે ગયા હતા.જમી પરવારી બહેન પ્રીતિ સાથે તમામ ઓટલા પર બેસી યુટ્યુબમાં શોર્ટ મુવી બનાવવા અંગે ચર્ચા કરતા હતા ત્યારે એકાદ વાગ્યે ત્રણ અજાણ્યા બાઈક ( નં.જીજે-05-એલયુ-2250 ) પર ત્યાંથી પસાર થયા હતા.

બાઈક થોડે દૂર જઈ ઉભી રહી હતી અને પાછળ બેસેલા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ ક્રિષ્ના યાદવ ( આહીર ) એ દેવેન્દ્ર ઉર્ફે ડેવીડને હાલચાલ પૂછ્યા બાદ સાથેના બે યુવાનને કહ્યું હતું કે યે હી ડેવીડ હે જીસકે ઈન્સ્ટ્રાગ્રામ પે બહોત સારે ફોલોવર્સ હે.બાદમાં ત્રણેય તેની પાસે આવ્યા હતા અને બાઈક ચલાવતા યુવાને દેવેન્દ્ર ઉર્ફે ડેવીડને તુ મુજે ઈન્સ્ટ્રાગ્રામ પે ફોલો કર જિસસે મેરે ફોલોવર્સ બઢ જાયેંગે તેમ કહેતા ડેવીડે તેને મૈ આપ કો ક્યોં ફોલો કરૂ? કહેતા તે ગુસ્સે થઇ ગયો હતો.તેની સાથેના કમરના ભાગેથી કવરવાળો છરો કાઢી મુજે ફોલો કર નહીં તો તેરે કો ચાકુ માર દુંગા તેમ કહેતા ગભરાયેલા ડેવીડે તેને ફોલો કરવા માટે ઈન્સ્ટાગ્રામ આઈડી પૂછતાં તેણે પોતાનું નામ આકાશ રાજપૂત જણાવ્યું હતું.ડેવીડ તેનું નામ સર્ચ કરતો હતો ત્યારે તેના મિત્ર કુશાલે તેને ભાઇ ચાકુ ક્યું દિખા રહા હૈ, ચાકુ નીચે કર કહેતા તેણે કુશાલને લાફો મારી દીધો હતો.તે સમયે બનેવી રામપ્રકાશ વચ્ચે પડતા જાડીયા યુવાને તેમને લાફો મારી નીચે પાડી દીધા હતા.રામપ્રકાશ ઉભા થઇ તેમની બાજુમાં જ રહેતા શ્યામસુંદર ઉપાધ્યાયને મામાના નામથી બુમો પાડી તેમના ઘર તરફ જતા ત્રણેય બાઈક પર ત્યાંથી ભાગી ગયેલા હતા.

ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવા મુદ્દે ઝઘડામાં રીક્ષાચાલક પર ત્રણ શખ્સનો ચપ્પુથી હુમલો 2 - image

શ્યામસુંદર ઉપાધ્યાય અને તેમના પત્ની બહાર આવી વાત કરતા હતા ત્યારે પાંચ મિનિટ બાદ ત્રણેય ફરી બાઈક પર આવ્યા હતા અને આકાશે ડેવીડને છરો બતાવી અભી તું મેરે કો ફોલો કરેગા કહી ધમકાવતા બનેવી રામપ્રકાશ અને શ્યામસુંદર ઉર્ફે મામા વચ્ચે પડતા આકાશ, તેની સાથેનો જાડીયા યુવાને ડેવીડ, કુશાલને માર મારી આકાશે રામપ્રકાશના પેટના ભાગે બે ઘા તથા ડાબા હાથના ભાગે બે ત્રણ ઘા મારી દેતા તેમનું આંતરડું બહાર આવી ગયું હતું.હુમલો કરી ત્રણેય બાઈક પર ફરાર થઈ ગયા હતા.રામપ્રકાશને બાઈક પર બેસાડી નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમને ગંભીર હાલતમાં દાખલ કરી ઓપરેશન હાથ ધરાયું હતું.બનાવ અંગે જાણ થતા દોડી ગયેલી પાંડેસરા પોલીસે ડેવીડની ફરિયાદના આધારે આકાશ રાજપુત, ક્રિષ્ના યાદવ અને જાડીયા યુવાન વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News