Get The App

૨૫ લાખમાં આર.એફ.ઓ.ની નોકરી અપાવવાના નામે ત્રણ સાથે છેતરપિંડી

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
૨૫ લાખમાં આર.એફ.ઓ.ની નોકરી અપાવવાના  નામે ત્રણ સાથે છેતરપિંડી 1 - image


ખોટા મેઈલ કરી જૂનાગઢ વનવિભાગની ઓફિસે મોકલ્યા

મૂળ વિસાવદરના કાલસારી અને હાલ ગાંધીનગર અને મુંબઈના શખ્સોએ એમ.પી.ના શખ્સને ઇન્ટરવ્યુ લેવા જૂનાગઢ મોકલ્યો અને ભાંડો ફૂટયો

જૂનાગઢ :  કેશોદ તાલુકાના પાડોદરમાં રહેતા પ્રૌઢ તથા તેના બે જાણીતા વ્યક્તિના પુત્રોને વન વિભાગમાં રપ લાખ રૃપીયામાં આરએફઓની નોકરી અપાવી દેવાની લાલચ આપી મુળ કાલસારી અને હાલ ગાંધીનગર રહેતા શખ્સ તેમજ મુંબઈના શખ્સે ખોટા મેઈલ કરી ઈન્ટરવ્યુ માટે જૂનાગઢ મોકલ્યા હતા. ત્યાં મધ્યપ્રદેશના એક હિંદી ભાષી શખ્સને મોકલ્યો હતો. ઈન્ટરવ્યુ આપવા જતા સમગ્ર ભાંડો ફુટયો હતો. આ હિંદી ભાષી શખ્સને લઈ તમામ લોકો સી ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એડવાન્સ પેટે આ ટોળકીએ ૪.પ૦ લાખ રૃપીયા પડાવ્યા છે. વધુ પૈસા પડાવવાની પેરવી કરતા હતા તે પૂર્વે આ ટોળકીનું કારસ્તાન સામે આવ્યું હતું.

આ અંગેની વધુ વિગત મુજબ મુળ માણાવદર તાલુકાના સીતાણાના અને હાલ કેશોદ તાલુકાના પાડોદરમાં રહેતા કાળુભાઈ કરશનભાઈ સોલંકીને વિસેક દિવસ પહેલા તેના મોટાબાપાના દિકરા નાથાભાઈ લાખાભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, 'મારો મિત્ર બાબુભાઈ પટેલ છે જે મુળ કાલસારીનો અને હાલ ગાંધીનગર રહે છે, સરકારી કચેરીઓમાં તેની ઓળખાણ સારી છે, વન વિભાગમાં આરએફઓની નોકરીમાં લાગવું હોય તો તે લાગવગથી લગાડી આપશે તેના માટે રપ લાખ રૃપીયા આપવા પડશે' તેવી વાત કરી હતી. કાળુભાઈએ તેના પુત્ર જીતુને વાત કરી હતી. આ ઉપરાંત નગીચાણામાં રહેતા મિત્ર પરબતભાઈ રામભાઈ પીઠીયાના પુત્ર નયન તથા ખીમજીભાઈ સોલંકીના પુત્ર ગૌતમને નોકરીએ લગાડવાની વાત કરતા ખીમજીભાઈ અને નગીચાણાના પરબતભાઈ સહમત થયા હતા. નાથાભાઈએ 'બાબુભાઈના જાણીતા ગઢવી સાહેબ ગાંધીનગરમાં છે તે સરકારી નોકરીનું સેટિંગ કરાવી આપે છે' એમ કહી ત્રણેય યુવાનોના ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. ત્રણેય યુવાનોએ નાથાભાઈને ડોક્યુમેન્ટ મોકલી આપતા જે બાબુભાઈ પટેલને મોકલ્યા હતા.

બે-ચાર દિવસ બાદ કાળુભાઈના પુત્રને જીપીએસસીના નામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતનો ઈમેઈલ આવ્યો હતો. જેમાં તા.૭-૧-ર૦રપથી ૧૦-૧-ર૦રપના ૧ર પીએમથી ૩ પીએમ સુધીમાં ઈન્ટરવ્યુ આપવા જવાનો ઉલ્લેખ હતો. આવી રીતે ખીમજીભાઈના પુત્ર ગૌતમને પણ મેઈલ આવ્યો હતો પરંતુ પરબતભાઈના પુત્ર નયનને આવો મેઈલ આવ્યો ન હતો. બાબુ પટેલને જાણ કરતા તેણે 'અહીંથી મેઈલ મોકલી દીધો છે તે ખુલતો નહી હોય પણ તમે તેને પણ ઈન્ટરવ્યુમાં મોકલી દેજો' તેવી વાત કરી હતી. બાબુ પટેલે નાથાભાઈ મારફત 'છોકરાઓના ઈન્ટરવ્યુના ઓર્ડર આવી ગયા છે જેથી તમારે રપ ટકા લેખે એટલે કે એક યુવાનના ૪ લાખ રૃપીયા મળી કુલ ૧ર લાખ મોકલવા પડશે.' કાળુભાઈ તથા તેના મિત્રોને વિશ્વાસ ન આવતા તેઓએ નાથાભાઈને આ લોકોને જૂનાગઢ બોલાવવા કહ્યું હતું. તા.પ-૧-ર૦રપના બાબુ પટેલ, ગઢવી જૂનાગઢ આવ્યા હતા. મધુરમ બાયપાસ પર આવેલી દુકાને મળ્યા હતા જ્યાં બાબુ ધનજી રાંકે તેની સાથે રહેલા વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી હોવાનું જણાવ્યું હતું. તેની સરકારી ઓફિસમાં સારી ઓળખાણ છે, તમારા છોકરાઓના રપ લાખ આપવાના છે, ત્રણેયના ઈન્ટરવ્યુ લેટર મેઈલથી મળી ગયા છે, અત્યારે એકના ૪ મળી ત્રણના ૧ર લાખ આપવાના થશે, આ રૃપીયા અમારા મુંબઈના આશિષ શાહુ સાહેબને મોકલવાના છે, છોકરાઓની નોકરીનું સેટિંગ આશિષ શાહુ સાહેબ જ ગોઠવશે, મુંબઈથી ઈન્ટરવ્યુ લેવા તે જ આવવાના છે એમ કહ્યું હતું. કાળુભાઈ તથા તેના મિત્રોને વિશ્વાસ આવ્યો ન હતો. બાબુ પટેલે અન્ય એક યુવકનો ઓર્ડર બતાવતા કાળુભાઈ તથા તેના મિત્રોએ 'પાંચેક લાખની સગવડ હાલ થાય તેમ છે, ઈન્ટરવ્યુ થઈ ગયા બાદ પૈસાની વ્યવસ્થા કરી આપશું' તેમ વાત કરી હતી.

જૂનાગઢ ખાતે મિટીંગ થયા બાદ પરબતભાઈએ બે લાખ, કાળુભાઈએ દોઢ લાખ અને ખીમજીભાઈએ એક લાખની વ્યવસ્થા કરી હતી. આ ૪.પ૦ લાખ આંગડીયામાં બાબુ પટેલને મોકલવામાં આવ્યા હતા. બીજા રૃપીયા પાછળથી આપવાની વાત થઈ હતી. તા.૧૦-૧-ર૦રપના મુંબઈથી ઈન્ટરવ્યુ લેવા સાહેબ જૂનાગઢ આવવાના છે અમે પણ જૂનાગઢ આવશું, સાડા બાર વાગ્યે આપણે જંગલ ખાતાની ઓફિસે મળવાનું છે એવો બાબુ પટેલે ફોન કર્યો હતો. બપોરે એકાદ વાગ્યે બાબુ પટેલે નાથાભાઈ મારફત 'છોકરાઓને જંગલ ખાતાની ઓફિસે મોકલો સાહેબ રાહ જોઈને બેઠા છે' તેમ જણાવ્યું હતું. કાળુભાઈનો પુત્ર જીતુ, ખીમજીભાઈ પુત્રો ગૌતમ અને પરબતભાઈનો પુત્ર નયન અને ખીમજીભાઈ ચારેય જણા સરદારબાગ ફોરેસ્ટની ઓફિસે ગયા ત્યાં બહાર એક હિંદીભાષી છોકરો મળ્યો હતો. તે પોતે ઈન્ટરવ્યુ લેવા આવ્યો છે તેવું જણાવ્યું હતું. તેની પૂછપરછ કરતા તેણે તેનું નામ દિપક સેન હોવાનું અને પોતે પ્રાઈવેટ માણસ છે તેમ કહ્યું હતું. ખીમજીભાઈએ ફોન કરી બોલાવતા કાળુભાઈ અને પરબતભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે બાબુ પટેલ અને વિનોદ ગઢવીએ તેની સાથે છેતરપિંડી કર્યાની જાણ થઈ હતી. ફોન કરતા બાબુ પટેલ અને વિનોદ ગઢવી પણ ત્યાં આવ્યા હતા. વિનોદ ગઢવીએ 'તમે આપેલા પૈસા મુંબઈ આશિષ શાહુને મોકલી આપ્યા છે, તેણે આ હિંદીભાષી માણસને મોકલ્યો છે, મુંબઈના આશિષ શાહુ જ નોકરીનું સેટિંગ કરાવી આપવાના છે' તેવી ગોળગોળ વાત કરી હતી. આથી બાબુ પટેલ, વિનોદ ગઢવી અને એમપીના દિપક સેનને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં આ ત્રણેયનો ભાંડો ફુટી ગયો હતો.

આ અંગે કાળુભાઈ સોલંકીએ ફરિયાદ કરતા પોલીસે મુળ વિસાવદર તાલુકાના કાલસારીના અને હાલ ગાંધીનગરના સરગાસણ ચોકડી ખાતે પ્રમુખનગર બંગ્લોઝમાં રહેતા બાબુ ધનજી રાંક, ગાંધીનગરના સેક્ટર-૮માં રહેતા વિનોદ ઉર્ફે વિનય બાબુ ગઢવી અને મધ્યપ્રદેશના સાગર જીલ્લાના કરૈયા ગામના દિપક શ્યામલાલ સેન અને મુંબઈના આશિષ શાહુ સામે ૪.પ૦ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. આ અંગે સી ડીવીઝન પીઆઈ વી.જે. સાવજે જણાવ્યું હતું કે, બાબુ રાંક, વિનોદ ઉર્ફે વિનય ગઢવી અને દિપક સેનની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વિશ્વાસ અપાવવા વિસાવદર પંથકના એક યુવાનનો ઓર્ડર બતાવ્યો

કાળુભાઈ તથા તેના મિત્રોને બાબુ પટેલ, વિનોદ ઉર્ફે વિનય ગઢવીની વાતો પર વિશ્વા ન આવતા બાબુ પટેલે હમણા જ વિસાવદર પાસેના ભલગામના નિકુંજ નામના છોકરાને ૧૪ લાખમાં પોસ્ટ ઓફિસમાં નોકરીએ લગાડયો છે, તેનો પોસ્ટનો ઓર્ડર પણ બતાવ્યો હતો. આવું કરી આ બંનેએ વિશ્વાસમાં લઈ લીધા હતા. હવે આ જે ઓર્ડર બતાવ્યો છે તે સાચો છે કે ખોટો તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પૈસા આપી નોકરી મેળવવા પ્રયાસ કરનારાઓ માટે લાલબતી સમાન કિસ્સો

સરકારી ભરતીઓમાં ઈન્ટરવ્યુ તેમજ અન્ય પ્રક્રિયા ગાંધીનગરથી થાય છે. જીપીએસસી જેવી સંસ્થા સ્થાનિક કક્ષાએ ક્યારેય ક્લાસ-રના ઈન્ટરવ્યુ યોજતી નથી. આ કિસ્સામાં યુવાનો પાસેથી નોકરીના નામે પૈસા પડાવવાનો કારસો કરવામાં આવ્યો હતો. આખરે આ ગઠીયાઓનો ભાંડો ફુટયો છે ત્યારે પૈસા આપી નોકરી મેળવવા પ્રયાસ કરતા યુવાનો તથા તેના વાલીઓ માટે આ કિસ્સો લાલબતી સમાન છે.

 


Google NewsGoogle News