મોરબી તાલુકામાં માસુમ બાળકી સહિત ત્રણ વ્યક્તિના અપમૃત્યુ
શ્રમિક પરિવારની પુત્રીએ રમતા - રમતા ઝેરી દવા પી લીધી
નવલખી રોડ પર ચા બનાવતી વખતે આગ ભભૂકતા યુપીનો મજૂર ભડથું થયો, મોરબીમાં બાથરૃમમાં પડી જતા યુવાન મોતને ભેટયો
પ્રથમ બનાવમાં મૂળ યુપીના વતની અને હાલ પીપળીયા ચાર રસ્તાથી
નવલખી રોડ પર આવેલ બાલા નામની બેકરીમાં રહીને કામ કરતા પલ્લુંરામ તોતારામ નિષાદ
(ઉ.વ.૧૯) નામનો યુવાન કિચનમાં ચા બનાવવા ગયો હતો. ત્યારે ગેસનાં ચુલ્લાનો વાલ્વ
ખુલ્લો રહી ગયો હોય કે લીકેઝ હોય ચૂલો ચાલુ કરવા જતા આગ લાગી હતી અને યુવાન આખા
શરીરે દાઝી જતા મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં
સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
બીજા બનાવમાં સોખડા-વાઘપર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી
કરતા સવાભાઇ પરમારની નવ વર્ષની દીકરી સેજલ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર
માટે મોરબી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે તપાસીને મરણ ગયેલ જાહેર
કરી હતી. બનાવ મામલે તાલુકા પોલીસના પાસેથી મળતી માહિતી મુજબ બાળકી રમતા રમતા
ભૂલમાં ગ્લાસમાં રાખેલ ઝેરી દવા પી લેતા મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં મોરબીના ભડિયાદ કાંટા પાસે જવાહર સોસાયટીમાં
રહેતો મધુવન ભગવાનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૨) નામનો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર
બાથરૃમમાં પડી જતા મોત થયું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ
ખસેડયો હતો. અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.