Get The App

ગુજરાતમાં અકસ્માતની ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત, ચોટીલા-ભાવનગર-કપરાડાની ઘટના

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં અકસ્માતની ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત, ચોટીલા-ભાવનગર-કપરાડાની ઘટના 1 - image


Accident In Chotila, Bhavnagar, Kaparada : ગુજરાતના ચોટીલા, ભાવનગર અને કપરાડામાં આજે બુધવારે અકસ્માતની ત્રણ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ત્રણેય ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. 

લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બેના મોત

લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર બલદાણા ગામના પાટીયા પાસે કાર ટ્રક નીચે ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહ કારમાં ફસાઈ ગયા હોવાથી ક્રેનની મદદ અને કારના પતરા ચીરીને બહાર કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભાવનગરમાં BMCના મહિલા સફાઈકર્મીનું મોત

ભાવનગરના સીદસર ગામ પાસેના શામપરા ચોકડી ખાતે BMCના કોન્ટ્રાક્ટ સફાઈકર્મી શારદાબહેન જીતુભાઈ વાઘાણી રોડ પર સફાઈકામ કરી રહ્યાં હતા, ત્યારે એક ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતની ઘટનાને પગલે વરતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. 

ગુજરાતમાં અકસ્માતની ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત, ચોટીલા-ભાવનગર-કપરાડાની ઘટના 2 - image

ખરાબ રસ્તાના લીધે વાપીથી નાસિક તરફ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, પાંચ લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં ખરાબ રસ્તાને કારણે વાપીથી નાસિક તરફ જઈ રહેલી બસનો કપરાડા તાલુકાના અંભેટી ગામે આજે બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, રસ્તા પરના મોટા ખાડાના કારણે બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ઉતરીને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 35 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. 

આ પણ વાંચો : ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના યુવકનું અપહરણ, રૂ.10 લાખની ખંડણી વસુલી

અકસ્માતની ઘટનાની જાણ સ્થાકોની થતાં તેમને ઘટના સ્થળે પહોંચીને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં પ્રાથમિક સારવાર માટે નાના પોઢાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની હોવાનું જાણવા મળ્યું. જ્યારે ખરાબ રોડ રસ્તાને કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. 


Google NewsGoogle News