પંચમહાલમાં કરુણાંતિકા, રોડ પર પડેલા જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા બે સગા ભાઈ સહિત 3ના મોત
Death Due To Electric Shock In Panchmahal: પંચમહાલ જિલ્લામાં ખૂબ જ કરૂણ ઘટના બની છે. મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ ઉપર મોડી રાત્રે થ્રી ફેઈઝ લાઈનનો વીજ વાયર તૂટી પડ્યો હતો. આ ચાલુ વીજ વાયરના સંપર્કમાં બાઈક આવી હતી. જેમાં બાઈક સવાર બે સગાભાઈ અને તેના ભાણેજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જેને લઈને પરિવારમાં આક્રંદ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ પર વળાંકમાં થ્રી ફેઈઝ વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો. જેના સંપર્કમાં બાઇક આવી જતાં બાઈક સવાર આશિષ મકવાણા, ભુનેશ્વર મકવાણા અને પલાસ ગણપતભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. બે દિવસ અગાઉ જ આ યુવાનો બહાર ગામ મજૂરી કામે ગયા હતા, ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પરત ફરતી વેળાએ તેઓનું બાઈક વીજ લાઈનના સંપર્કમાં આવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બે સગાભાઈ અને તેના ભાણેજનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: સુરતમાં તહેવાર ટાણે વતન જવા મુસાફરોની પડાપડી, ઉધના રેલવે સ્ટેશને લોકોનું કીડિયારું ઉભરાયું
લટકતા વીજ વાયરે લીધો યુવકોનો ભોગ
ગામના કેટલાક લોકોનું કહેવું છે કે યુવકો સાથે ઘટના ઘટી તેના કલાક પહેલા વીજ વાયર રસ્તા પર લટકતો નહોતો. પરંતુ મૃતક યુવાનો પાછા આવી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર થ્રી ફેઝ લાઈનનો વીજ વાયર થાંભલા પરથી તૂટી રસ્તા પર લટકતો હતો. જેને અડી જવાના કારણે ત્રણેય યુવકોના કરંટ લાગતા મોત થયા.
ઘટનાની જાણ MGVCLને કરાતા તેના કર્મચારીઓએ રાત્રે જ એ વીજ લાઈનનો વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોનો દાવો છે કે રસ્તા પર સામ સામે બે વીજ પોલ આવેલા હતા. તેમાના એક પોલથી વીજ વાયર તૂટી પડ્યો હતો અને રસ્તા પર લટકી ગયો હતો જેના કારણે આ કરૂણ દુર્ઘટના સર્જાઈ.
સરપંચે કહ્યું - વીજ બોર્ડને જવાબદાર ગણી શકાય
પંચમહાલમાં ગામના સરપંચના જણાવ્યાનુસાર આ ત્રણેય યુવકો બાઈક પર નીકળ્યા હતા અને તેઓ ખેતમજૂર તરીકે કામ કરતા હતા. આ લોકો કામેથી પાછા આવી રહ્યા હતા ત્યારે જ વીજ લાઈનનો વાયર તૂટેલો હતો. આ વિસ્તાર સીમાડાનો હતો. તે સમયે બાઈક પર આ તૂટેલો વાયર અડી જતા આ કરુણાંતિકા સર્જાઈ હતી. આ મામલે વીજ બોર્ડ જ જવાબદાર ગણી શકાય કેમ કે તેઓ સમયાંતરે રિપેરિંગ અને સમારકામ કરવાનું ચૂકી જતા હોય છે. આ મામલે અમે તપાસની માગ કરીએ છીએ.