મોરબી અને જામનગર જિલ્લામાં વેપારી સહિત ત્રણના આપઘાત, રહસ્ય ઉકેલવા પોલીસની દોડધામ
Three Incidents Of Suicide In Saurashtra: જામનગર અને મોરબી જિલ્લામાં વધુ ત્રણ માનવ જિંદગી આપઘાતના ખપ્પરમાં હોમાઈ છે. જેમાં મોરબીનાં લાલપર નજીક ફેક્ટરીમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. તો રફાળેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી વેપારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઉપરાંત જામનગરમાં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
મોરબીમાં બેના આપઘાત
પહેલો બનાવમાં લાલપર નજીક સોલો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા કૈલાશબેન ચૌહાણ (ઉ.વ.24) નામની પરિણીતાએ 15મી ઓક્ટોબરે ફેક્ટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપવાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. બીજા બનાવમાં રવાપર-ઘુનડા રોડ પર ઉમિયાનગર-1 સોસાયટીમાં રહેતા વિપુલ કાચરોલા (ઉ.વ.47) નામના વેપારીએ રફાળેશ્વર નજીક આવેલા રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકીને મોત વહાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે બંને બનાવી મામલે તપાસ હાથ ધરી છે.
જામનગરમાં યુવાને ઝેરી દવા ગટગટાવી
ત્રીજા બનાવની વિગત એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સુનિલ નામના 31 વર્ષના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની મૃતકના પિતાએ પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.