ધર્મજ પાસે રિક્ષામાંથી બે લાખના ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયા
સુરેન્દ્રનગરની બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
20 કિલો ગાંજો, 44 હજાર રોકડ, રિક્ષા સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો : આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવા તજવીજ
સુરેન્દ્રનગરના નીલુબેન સૈયદ કાદરી અને નીરૂબહેન સોલંકી રિક્ષામાં ગાંજાનો જથ્થો લઇ બોરસદ ધર્મજ હાઇવે પરથી તારાપુર તરફ જવાની હોવાની એસઓજીને બાતમી મળતા ટીમે ધર્મજ ચોકડીના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી.બોરસદ તરફથી રિક્ષા આવતા ઉભી રખાવી હતી અને પોલીસે પૂછપરછ કરતા રિક્ષા ચાલક વનરાજ ઉર્ફે વનો ચતુરભાઇ તલસાણીયા ( રહે. સુરેન્દ્રનગર) અને નીલુબહેન અબ્દુલ સૈયદ કાદરી અને નીરૂબહેન બળદેવ સોલંકી ( બંને રહે. સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે રિક્ષામાં તપાસ કરતા પાછળની સીટના ભાગે પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો અને તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજો જેવા પદાર્થ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. પોલીસે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવીને તપાસ કરી હતી થેલામાંથી મળેલા પદાર્થનો કીટથી પરીક્ષણ કરતા ગાંજો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે અંદાજીત ૨.૦૧ લાખનો ૨૦.૧૮૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો.
પોલીસે ગાંજાનો જથ્થો, રિક્ષા રોકડ સહિત ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.ગાંજા સાથે પકડાયેલી બે મહિલા અને રિક્ષા ચાલકને ગ્રામ્ય પોલીસને હવાલે કરતા પેટલાદ ગ્રામ્ય પોલીસે વનરાજભાઈ ઉર્ફે વનો તલસાણીયા, નીલુબેન સૈયદ કાદરી અને નીરૂબેન સોલંકી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીના પોલીસે રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.