19 દિવસ ચાલતા 800 કિમીનું અંતર કાપી વડોદરાના ત્રણ પદયાત્રી રાજસ્થાના ખાટુ શ્યામ પહોંચ્યા
Vadodara : વડોદરાથી ચાલતા નીકળેલા પદયાત્રીઓ 19 દિવસમાં 800 કિલોમીટરનું અંતર કાપીને તારીખ 19 ના રોજ રાજસ્થાનના યાત્રાધામ શ્રી ખાટુશ્યામ પહોંચી ગયા છે. ગઈ તા.1 ના રોજ વડોદરાના તરસાલી શરદનગર સ્થિત શ્રી સાંઈબાબા મંદિરથી શ્રી ખાટુ શ્યામ જવા 4 પદયાત્રી નીકળ્યા હતા. જેમાં પંકજ પાટીલ, સચિન પારટે, નગીન માછી અને ખોડા તડવીનો સમાવેશ થતો હતો.
વડોદરાથી તેઓ ડાકોર, શામળાજી, શ્રી કેસરિયા વૃષભદેવ અને શ્રીનાથજી થઈ આગળ વધ્યા હતા. તેઓ ખાટુ શ્યામ રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે એક પદયાત્રી ખોડા તડવી (રહે .સોમા તળાવ) ના ઘૂંટણમાં તકલીફ થવાથી શ્રીનાથજીથી આશરે 15 કિમીના અંતરે પહોંચ્યા ત્યારે ચાલવામાં તકલીફ ઊભી થઈ હતી. તા.11 નવેમ્બરે પદયાત્રા અધૂરી મૂકી તેઓ વડોદરા પાછા ફર્યા હતા. બાકીના ત્રણ પદયાત્રી તારીખ 19 નવેમ્બરે સવારે 11.30 વાગે ખાટુ શ્યામ પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ખાટુ શ્યામનો ઇતિહાસ મહાભારત કાલીન બર્બરીક સાથે સંકળાયેલો છે. બર્બરીક ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો.