સુરતમાં વિદ્યાર્થીઓના રોડ પ્રકરણમાં લાઇસન્સ વગર સંતાનોને કાર ડ્રાઇવ કરવા આપનાર ત્રણ વાલી વિરુદ્ધ ગુનો દાખલ
Student Farewell in Surat: સુરતના જહાંગીરપુરા -દાંડી રોડની ફાઉન્ટન હેડ સ્કુલના વિદ્યાર્થીઓએ વૈભવી કાર સાથે રેલી કાઢી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલમાં રોલો પાડવા માટે રીતસર વૈભવી કારનો રોડ શો યોજી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, આ મામલે સુરતની પાલ પોલીસે 20 જેટલી ગાડીઓ જપ્ત કર્યા બાદ ત્રણ વિદ્યાર્થીના વેપારી પિતા વિરૂદ્ધ પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા છે.
એમ.વી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય કાપડ વેપારીઓને જામીન મુક્ત કરાયા
સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામ નજીક આવેલી ફાઉન્ટેનહેડ સ્કૂલના ધો. 12 ના વિદ્યાર્થીઓના ફેરવેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સરેઆમ નિયમનું ભંગ કરી પાલ પાટિયાથી ગૌરવ પથ થઇ સ્કૂલ સુધી 20 થી વધુ કારના કાફલા સાથે સીનસપાટા કર્યા હતા. સોશિયલ મિડીયામાં વાયરલ વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ લક્ઝુરીયસ કાર હંકારતા નજરે પડતા પાલ પોલીસ દોડતી થઇ હતી. જે અંતર્ગત પોલીસે 20 થી વધુ કાર ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતા જીવના જોખમે કાર હંકારનાર ત્રણ વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાની સાથે કલાકોનો સમય વીતાવવો પડયો છે.
આ પણ વાંચો: વૈભવી કારો સાથે સુરતને માથે લેનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી, પોલીસે 20 લક્ઝુરિયસ કાર કબજે કરી
જેમાં બીએમડબલ્યુ કાર નં. જીજે-5 આરએન-4123 ના માલિક અમીત અર્જુનદાસ અગ્રવાલ (ઉ.વ. 45 રહે. રત્ન વિરાટ એપાર્ટમેન્ટ, ન્યુ સિટીલાઇટ રોડ, સુરત), ફોર્ચ્યુનર કાર નં. જીજે-5 આરક્યુ-6090 હંકારનાર વિદ્યાર્થીના કાપડ વેપારી પિતા જીગ્નેશ યોગેશ દલાલ (ઉ.વ. 48 રહે. અવધ લીંક સિટી, બાબેન, બારડોલી, સુરત) અને ઓડી કાર નં. જીજે-5 જેબી-5291 ના માલિક કાપડ વેપારી અજય દામોદાર ભટ્ટ (ઉ.વ. 45 રહે. રઘુવીર બંગલો, સિટીલાઇટ રોડ, સુરત) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અમીત અગ્રવાલની કારમાંથી એક વિદ્યાર્થીએ સ્પાર્કલ ગન પણ બહાર કાઢી હતી. જયારે જીગ્નેશ દલાલે મિત્રની કાર પુત્રને આપી હતી.