બે અછોડા તોડ પકડાયા પછી વધુ ત્રણ પોલીસ ફરિયાદ
ન્યૂ વી.આઇ.પી.રોડ, કલાદર્શન ચાર રસ્તા અને સયાજી ટાઉનશિપ નજીક અછોડા તોડયા હતા
વડોદરા,બે અછોડા તોડ આરોપીઓ પકડાયા પછી વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ છે. અછોડા તોડ આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ ૭ ગુનાના ભેદ ઉકલ્યા છે.
વાસણા ભાયલી રોડ પર અક્ષરવંદનમાં રહેતા ૩૫ વર્ષના વંદનાબેન સુરેશભાઇ ઓઝા ગત ૧ લી તારીખે હું મારા બાળકો સાથે માતાના ઘરેથી સયાજી ટાઉનશિપથી નીકળી હતી. હું અવધ સિટિ ચાર રસ્તા નજીક આવેલા બંસીધર હાઇટ્સ પાસે બસ પકડવા માટે ઉભી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે આરોપીઓ મારા ગળામાંથી સોનાની છ ગ્રામની ચેન તોડીને ભાગી ગયા હતા.
ન્યૂ વી.આઇ.પી. રોડ પંચમ ડૂપ્લેક્સમાં રહેતા શકુંતલાબેન ચંદ્રકાંતભાઇ પરમાર ગત ૭ મી તારીખે પાડોશી સાથે સાંજે સાડા સાત વાગ્યે ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બાઇક સવાર બે આરોપીઓ તેમના ગળામાંથી સોનાની દોઢ તોલા વજનનો અછોડો તોડીને ભાગી ગયા હતા.
વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે મેઘાનગર સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના પ્રેરણાબેન દ્વારકેશભાઇ શાહ ગત ૨૭ મી જાન્યુઆરીએ બપોરે અકોટા સયાજી ગૃહમાં કથામાં ગયા હતા. ત્યાંથી રાતે રિક્ષામાં બેસીને ઘરે આવવા નીકળ્યા હતા. રાતે આઠ વાગ્યે કલાદર્શન પાસે રિક્ષામાં ઉતરી બીજી રિક્ષાની રાહ જોતા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા બે આરોપીઓ તેમના ગળામાંથી સોનાની દોઢ તોલા વજનની ચેન તોડીને ભાગી ગયા હતા.