સુરતમાં ઝવેરીની દુકાનમાં લૂંટનો પ્રયાસ, દુકાન માલિક-કારીગરના કાપ્યા ગળા, બે ફરાર, એક ઝડપાયો
Jewellery Shop In Bhestan, Surat : સુરતના ભેસ્તાનમાં ઝવેરીની દુકાનમાં ત્રણ શખસોએ ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. અચાનક લૂંટારુ દુકાનમાં આવી પહોંચતા દુકાન માલિક અને કારીગરે પ્રતિકાર કર્યો હતો. જેમાં બંને લોકોના ગળા પર તિક્ષ્ણ હથિયારનો ઘા કરીને લૂંટારુ ભાગ્યાં હતા. જેમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે દુકાન માલિક અને કારીગરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઝવેરીની દુકાનમાં ત્રણ લૂંટારુ ઘૂસી આવ્યા
સુરતના ઉધના-નવસારી મેઈનરોડ ઉપર ભેસ્તાન ચાર રસ્તા પરની શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ લૂંટારુઓ બપોરના બે વાગ્યા આસપાસ તિક્ષ્ણ હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પ્રતિકાર કરતાં દુકાનના માલિક અને કારીગર પર લૂંટારુઓએ છરીના ઘા મારીને ભાગ્યા હતા. સમગ્ર ઘટનામાં બૂમાબૂમ થતાં સ્થાનિકો દોડી આવ્યાં હતા અને ત્રણમાંથી એક શખસને લોકોએ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : બોગસ ડોક્ટરનો વધુ એક કાંડ આવ્યો સામે, દત્તક આપવાના નામે બાળક વેચવાનું કૌભાંડ
સમગ્ર ઘટનામાં દુકાન માલિક અને કારીગરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે લૂંટના બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને ફરાર બે શખસને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી.