કલોલના જમીન દલાલ ઉપર ત્રણ શખ્સોનો લૂંટના ઇરાદે હુમલો
ગાંધીનગર નજીક અડાલજના ત્રિમંદિર પાસે
મોબાઇલ લૂંટી લીધો, ઝપાઝપીમાં સોનાની વિંટી પડી ગઇ ગંભીર ઘાયલ દલાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગાંધીનગર: ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે અડાલજના ત્રિ મંદિર પાસે લઘુશંકા માટે ઉભા રહેલા જમીન દલાલ ઉપર ધોકાથી ત્રણ શખ્સોએ હુમલો કરીને મોબાઇલ લૂંટી લીધો હતો જ્યારે ઝપાઝપીમાં તેમની સોનાની વિંટી પડી ગઇ હતી જે સંદર્ભે ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ મામલે અડાલજ પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલકરીને વધુ તપાસ શરૂ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેરની સાથે આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં ચોરી લૂંટના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે શહેર નજીક આવેલા અડાલજના ત્રિ મંદિર પાસે વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કલોલ સઇજના જમીન દલાલ ઉપર ત્રણ શખ્સોએ હૂમલો કરીને લૂંટ ચલાવી હતી. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગરના કલોલ તાલુકાના સઇજમાં આનંદપુરા ખાતે રહેતા જમીન દલાલ અજમલજી જીવનજી ઠાકોર ગઇકાલે તેમની કાર લઇને અમદાવાદ ખાતે દલાલ મિત્રોને મળવા ગયા હતા અને ત્યાંથી રાત્રે સઇજ જવા નિકળ્યા હતા જ્યાં પોણા બારેક વાગે અડાલજ ત્રિ મંદિર પાસે મહેસાણા પીકઅપ સ્ટેન્ડની પાસે કાર પાર્ક કરીને કાફેની પાછળ લઘુશંકા માટે ગયા હતા. આ દરમ્યાન ત્યાં ત્રણ શખ્સો હાજર હતા અને અહીં શું કામ આવ્યો છે તેમ કહીને એક શખ્સે તેના હાથમાં રહેલા ધોકા વડે હૂમલો કરી દીધો હતો.જેના પગલે અજમલજી નીચે પડી ગયા હતા અને માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું.
બુમાબુમ કરતા આ શખ્સો ત્યાંથી નાસી છુટયા હતા અને એક શખ્સ તેમનો મોબાઇલ લઇને ભાગી ગયો હતો. જ્યારે આ ઝપાઝપીમાં તેમની સોનાની વિંટી પણ નીચે પડી ગઇ હતી.
હિંમત કરીને તેઓ કાર પાસે પહોંચ્યા હતા અને ત્યાર બાદ કલોલની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જ્યાં હાલ તેમની ફરિયાદને આધારે પોલીસે ત્રણ શખ્સો સામે મારામારી કરીને લૂંટ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.