વઢવાણના વડોદમાં યુવક પર ત્રણ શખ્સોનો હુમલો
- શેરીમાં લઘુશંકા કરવાના મનદુઃખમાં
- બે મહિલા સહિત ચાર વ્યક્તિને લાકડી વડે માર મારતા ત્રણ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વડોદ ગામે શેરીમાં પેશાબ કરવા બાબતે ત્રણ શખ્સોએ બે મહિલા સહિત ચાર વ્યક્તિને લાકડી તેમજ ઢીકા-પાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનારના પરિવારજને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણના વડોદ ગામે રહેતા ફરિયાદી જીલુબેન રતુભાઈ મીંડોળીયાના પુત્ર હસમુખ રાત્રે શેરીમાં પેશાબ કરતો હતો. તેે સમયે ગામમાં રહેતા ગીરીરાજભાઈ મનુભાઈ મકવાણાએ ત્યાં પેશાબ કરવાની ના પાડી હતી. તેનું મનદુઃખ રાખી બીજે દિવસે ગીરીરાજભાઈ મનુભાઈ મકવાણા, સુર્યદિપ ગીરીરાજભાઈ મકવાણા અને લાલાભાઈ ઘનશ્યામભાઈ સોલંકીએ એકસંપ થઈ હસમુખભાઈ સાથે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ માથાના ભાગે લાકડીના ઘા ઝીંક્યા હતો. તેમજ ફરિયાદી જીલુબેન, સાહેદ અરૂણાબેન તથા સલોનીબેન, રોહિતભાઈ સહિતનાઓ પણ લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.