દ્વારકાની કુખ્યાત બિચ્છુ ગેંગના ત્રણ સાગરિતો ફરી જેલહવાલે
હાઇકોર્ટમાંથી મેળવેલા જામીન ગુજસીટોક કોર્ટે રદ કર્યા હતા
બે વર્ષ બાદ જેલમાંથી છૂટીને ફરીથી ગુના આચરવાનો પ્રયાસ કરી રહ્યાના દ્વારકા પોલીસે આધાર- પૂરાવા રજૂ કરતા ગુજસીટોક કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢ્યું
ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં મીઠાપુર પંથકમાં કેટલાક શખ્સોની બિચ્છુ ગેંગ દ્વારા આ વિસ્તારના રહીશોને વિવિધ પ્રકારે હાલાકી પહોંચાડી પરેશાન કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ મુદ્દે કડક વલણ અખત્યાર કરી, અને દ્વારકા, ઓખા અને મીઠાપુરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા બિચ્છુ ગેંગના શખ્સો સામે વર્ષ ૨૦૨૨ માં ગુજસીટોકની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આ ટોળકીના સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહી પછી સ્થાનિક વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
આ વચ્ચે ખંભાળિયાના ડીવાયએસપી ડો. હાદક પ્રજાપતિના વડપણ હેઠળ ચાલી રહેલી તપાસમાં ચાર્જશીટ રજૂ કરી અને બે વર્ષ સુધી આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. ત્યાર બાદ તાજેતરમાં આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરાતા આરોપીઓ પુનઃ સૌરાષ્ટ્ર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને ફરીથી ગુનાઓ આચરવાના પ્રયાસો કરતા હોવા અંગેના જરૂરી દસ્તાવેજો તેમજ વિગતો અને આધાર પુરાવાઓ સાથે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ અને ડો. હાદક પ્રજાપતિની ટીમ દ્વારા આરોપીઓના જામીન રદ થવા અંગેની દરખાસ્ત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ પ્રકરણમાં રંગાસર ગામના રાજેશભા માલાભા સુમણીયા અને માલાભા સાજાભા સુમણીયા તેમજ દ્વારકા તાલુકાના વસઈ ગામના કિશનભા ટપુભા માણેક નામના ત્રણ આરોપીઓના જામીન રદ કરી, આરોપીઓના ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા હતા.
જેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરી અને આ ત્રણેય આરોપીઓ રાજેશભા માલાભા, માલાભા સાજાભા અને કિશન ટપુભાને દ્વારકા તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ખાતેથી હ્યુમન ઇન્ટેલિજન્સીની મદદથી ઝડપી લઇને પુનઃ ટૂંકા ગાળામાં જ રાજકોટની જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.