રતનપર બાયપાસ પરથી વાહનોમાંથી ડીઝલ ચોરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
- દસથી વધુ વાહનોમાંથી ડીઝલ ચોરી કરી હોવાનું કબુલ્યૂ
- આરોપીઓ એકાંત જગ્યાએ પાર્ક કરેલા વાહનોને ટાર્ગેટ બનાવતા, આરોપી અણીયાળી ગામના વતની
સુરેન્દ્રનગર : રતનપર બાયપાસ રોડ પર ડમ્પરમાંથી ડિઝલની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સોને રતનપર બાયપાસ રોડ પર આવેલી હોટલના પાછળના ભાગમાંથી ઝડપી કાર્યવાહી હાથધરી છે.
સુરેન્દ્રનગર શહેરમાં ગત તા.૨૯ ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે બાયપાસ રોડ પર હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં રાખેલા ડમ્પરમાંથી અંદાજે ૧૨૦ લીટર ડિઝલની ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે ડમ્પરચાલકે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. બનાવની તપાસ દરમિયાન પોલીસે રતનપર બાયપાસ રોડ પર આવેલી એક હોટલ પાછળથી અજય કનૈયાલાલ રોચીયા, અક્ષય લાલજીભાઈ ઓળકીયા અને અશ્વીનભાઈ મનુભાઈ સાકરીયા (તમામ રહે.અણીયાળી, તા.લખતર)ને ચોરી કરેલા ડિઝલ ૧૨૦ લીટર (કિં.રૂા.૧૦,૮૦૦), ત્રણ મોબાઈલ (કિં.રૂા.૧૫,૦૦૦), બે બાઈક (કિં.રૂા.૩૦,૦૦૦) સહિત કુલ રૂા.૫૫,૮૦૦ના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીની પુછપરછ કરતા રતનપર બાયપાસ રોડ પર, અંદાજે બે મહિના પહેલા દેવ પાર્ટી પ્લોટ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી ૬ ડમ્પરની ટાંકીમાંથી ડિઝલની ચોરી, ડી-માર્ટ પાસે એક ડમ્પરની ટાંકીમાંથી ડિઝલની ચોરી, જીઆઈડીસી વિસ્તારમાંથી આયશરની ટાંકીમાંથી ડિઝલની ચોરી અને રતનપર સર્કિટ હાઉસ પાસેથી ડમ્પરની ટાંકીમાંથી ડિઝલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ વધ પુછપરછ કરતા ત્રણેય શખ્સો રાત્રીના સમયે એકાંત જગ્યાએ પાર્ક કરેલ ડમ્પરને ટાર્ગેટ બનાવતા હતા અને કોઈ બોથડ પદાર્થ વડે ડિઝલની ટાંકીનું ઢાંકણું તોડી ડિઝલની ચોરી કરી સાથે લાવેલ કેરબામાં ડિઝલ ભરી બાઈક પર લઈ જતા હતા.