વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને ત્રણ લાખ પડાવી લીધા
શ્રી રંગ વિઝા કન્સલટન્સની ઓફિસ ચલાવતી મહિલા સામે પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,વિદેશમાં વર્ક પરમિટ અપાવવાનું કહીને વિઝા કન્સલટન્સીની ઓફિસ ચલાવતી મહિલાએ ૩ લાખ પડાવી લઇને છેતરપિંડી કરી હતી. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
છાણી સોખડા રોડ પર રવિ શિખર ફ્લેટમાં રહેતા નિરવભાઇ રમેશભાઇ રાઠોડ અટલાદરા ખાતે ગુજરાત પબ્લિક સ્કૂલમાં વહીવટી વિભાગમાં નોકરી કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા નાના ભાઇ હર્ષ રમેશભાઇ રાઠોડને વિદેશમાં વર્ક પરમિટના આધારે નોકરી કરવાની ઇચ્છા હતી. જેથી, મેં મારા મિત્ર વિજયભાઇ ચૌહાણને વાત કરી હતી. વિજયભાઇએ મને ખુશાલી ઉપાધ્યાયનો નંબર આપ્યો હતો. અમે ફેબુ્રઆરી - ૨૦૨૪ માં ખુશાલી સાથે વાત કરી હતી. માર્ચ - ૨૦૨૪ માં ખુશાલીબેને અમને તેમની ઓફિસ શ્રી રંગ વિઝા કન્સલટન્સી ફર્મ ( ઠે. સમન્વય સિલિકોન કોમ્પલેક્સ, સયાજીગંજ) ખાતે બોલાવ્યા હતા. હું અને મારો ભાઇ ત્યાં ગયા હતા. ખુશાલીબેને અમને લક્ઝમબર્ગ દેશના વર્ક પરમિટ વિઝા કઢાવી આપી ત્યાં નોકરી અપાવવાનું કહ્યું હતું. તેમણે ૭ લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. જે પૈકી ૩ લાખ અહીંયા અને બાકીના ૪ લાખ ત્યાં નોકરી લાગ્યા પછી આપવાનું નક્કી કર્યુ હતું. તા. ૦૯ - ૦૪ - ૨૦૨૪ ના રોજ પ્રોસેસ શરૃ કર્યાના ચાર મહિનામાં લકઝમબર્ગ મોકલી નોકરી અપાવવાનો કરાર કર્યો હતો. કરાર મુજબ વિઝાનું કામ ના થાય તો ૨૫ દિવસમાં પૈસા પૂરા કરવાનું નક્કી થયું હતું. અમે બેંકમાંથી પાંચ લાખની લોન લઇ ત્રણ લાખ ખુશાલીબેનને આપ્યા હતા. તેમણે અમને ઓફર લેટર આપ્યો હતો. પરંતુ, ચાર મહિનામાં વિઝાનું કામ થયું નહતું અને અમને આપેલો ઓફર લેટર પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. ખુશાલીબેને વિઝા અપાવ્યા નહતા તેમજ રૃપિયા પણ પરત ચૂકવ્યા નહતા.