પાણીગેટમાં યુવક પર હુમલો કરનાર પિતા - પુત્ર સહિત ત્રણ ઝડપાયા
માથાભારે નરેશ ઉર્ફે લાલી કહાર સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે
વડોદરા,પાણીગેટ બાવચાવાડમાં લગ્ન પ્રસંગે ભેગા થઇ ગયેલા યુવક પર તેના સાઢુભાઇ તથા સાઢુભાઇના પુત્ર અને ભત્રીજાએ હુમલો કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે.
પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતો હિતેશ રાજારામભાઇ કહાર સયાજી હોસ્પિટલમાં એક્સ - રે વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઇકાલે રાતે સવા બાર વાગ્યે હું તથા મારી પત્ની નિલમ અને દીકરો મારા કૌટુંબિક સાળા દિપક કહારના દીકરા ભાવેશના લગ્નમાં પાણીગેટ શાક માર્કેટ તરફ ગયા હતા. ત્યાં મારા સાઢુભાઇ નરેશ ઉર્ફે લાલી શિવાભાઇ કહાર તથા તેનો દીકરો હર્ષ ( બંને રહે. પ્રભાત સોસાયટી, વાઘોડિયા રોડ) મને જોઇને ઉશ્કેરાયા હતા. જૂના ઝઘડાની અદાવત રાખી તેઓએ ગાળો બોલી મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નરેશ ઉર્ફે લાલી કહારે મને મોંઢા અને છાતીમાં ફેંટો મારી હતી. હર્ષ કહારે ચાકૂ અને નરેશના ભત્રીજા શિવમ જતીનભાઇ કહારે તલવારથી હુમલો કર્યો હતો. પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે.