પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષીના ભાઈ સહિત ત્રણ પર છરીથી હુમલો
કોઠારીયા મેઈન રોડ પર ફાયર સ્ટેશન પાસેની ઘટના
હત્યામાં પકડાયેલા શખ્સ સહિત કુલ નવ શખ્સો વિરૃધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.૩માં રહેતાં અને મજુરી
કરતાં રમેશ દેવરાજભાઈ ગજેરા (ઉ.વ.૪ર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી આઠેક
વર્ષ પહેલાં આરોપી રાજા જાડેજાએ પોલીસમેન ભરતભાઈ ગઢવીનું મર્ડર કર્યું હતું. જેમાં
તેનો નાનોભાઈ જીજ્ઞોશ નજરે જોનાર તાજનો સાક્ષી હતો. એટલું જ નહી તેના ભાઈ જીજ્ઞોશે
રાજા જાડેજા વિરૃધ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. જેનો ખાર રાખી અવાર-નવાર તેને
સમાધાન માટે ધમકી આપતો હતો. પરંતુ તેણે અને તેના ભાઈએ સમાધાન કરવાની ના પાડી દેતાં
ગઈકાલે રાત્રે હુમલો કર્યો હતો.
ગઈકાલે રાત્રે તે મિત્રો
દીવ્યેશ ઠુમ્મર, દેવ ટાંક, દેવાંગ પટેલ અને
તુષાર વાઘેલા સાથે દિવ્યેશની એકસયુવી કારમાં ગોંડલ ચોકડી ગયા હતા. જયાંથી હુડકો બસ
સ્ટેન્ડની સામે આવેલ ચાની હોટલે પહોંચ્યા હતા. પરંતુ તેને ઘરે જવાનું મોડું થતું
હોવાથી ચા પીધા વગર જ હોટલેથી નીકળી કોઠારીયા રોડ ફાયર સ્ટેશન નજીક પહોંચ્યા
ત્યારે ત્રણેક ટુ-વ્હીલર પર રાજો જાડેજા, ચિરાગ ઉર્ફે
બકાલી, અજાણ્યો
શખ્સ, ચંદ્રેશ
ઉર્ફે ચંદો ગોહેલ, મિલન
બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનીયો મિસ્ત્રી
અને છોટુ ઘસી આવ્યા હતા.
જેથી દિવ્યેશે કારનો કાચ થોડો ખોલતાં જ રાજાએ તેને કહ્યું
કે તું ગાડી ઉભી રાખ અને નીકળ,
રમેશને ઉતારી દે, તેની
સાથે માથાકૂટ કરવી છે. જેથી દિવ્યેશે ગાડી ધીમે-ધીમે કરી આગળ વધારતા જ રાજાએ કાચની
બોટલથી ડ્રાઈવર સાઈડનો કાચ ફોડી નાંખી,
હાથ નાંખી ગાડીની ચાવી કાઢી લીધી હતી. ત્યાર પછી તે બાજુમાં બેઠો હોવાથી તેની
તરફનો દરવાજો ખોલવાની કોશિષ કરી હતી. પરંતુ લોકને કારણે દરવાજો ખુલ્યો ન હતો. તે
સાથે જ તમામ આરોપીઓએ નજીકમાં પડેલા પથ્થરો ઉપાડી ગાડી ઉપર છૂટ્ટા ઘા કરી તમામ કાચ
ફોડી નાખ્યા હતા. એટલું જ નહીં બેફામ ગાળો ભાંડવાનું શરૃ કરી દીધું હતું.
તે અને તેના મિત્રો ગાડીમાંથી નીચે ઉતરતા દિનેશ, બકાલી અને રાજાએ
છરી કાઢી તેની ઉપર હુમલો કરી ડાબા ખભાના ભાગે, જમણા કાન ઉપર ઘા કર્યા હતા. દિવ્યેશને બકાલીએ જમણા હાથના
બાવડામાં ઘા ઝીંકયો હતો. આ ઉપરાંત ડાબા હાથના ખભાના ભાગે છરકા જેવી ઈજા કરી હતી.
દેવને રાજાએ જમણા હાથે પોચા પર છરીનો ઘા ઝીંકી દીધો હતો.
દેકારો થતાં માણસો ભેગા થવા લાગતાં તમામ આરોપીઓ પોતાના ટુ
વ્હીલર પર બેસી જતા રહ્યા હતા. જતા-જતા રાજાએ તેને કહ્યું કે હવે આગળ કોઈ મારા
કેસમાં નડતો નહીં, નહીંતર
મારી નાખીશ. તેને છરીના ઘા વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી હોસ્પિટલમાં તેને
ઉપરાંત અન્યો બે ઘાયલ મિત્રો દિવ્યેશ અને દેવને લઈ જવાયા હતા. જયાં ત્રણેયને ટાંકા
લેવા પડયા હતા. સારવાર લીધા બાદ ભક્તિનગર પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી.