Get The App

કુતિયાણાના ધારાસભ્યના પિત્રાઈની હત્યામાં ભાજપના સુધરાઈ સભ્ય સહિત ત્રણને આજીવન કેદ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
કુતિયાણાના ધારાસભ્યના પિત્રાઈની હત્યામાં ભાજપના સુધરાઈ સભ્ય સહિત ત્રણને આજીવન કેદ 1 - image


2007ની સાલમાં ખુન અને ખુની હુમલાની ઘટનામાં ચુકાદો એક આરોપીને 1 વર્ષની સજા, 3 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયા

પોરબંદર, : રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના પિત્રાઈ ભાઈની 2007ની સાલમાં મકરસંક્રાંતિની રાત્રે થયેલી હત્યાના ત્રણ આરોપીઓને અદાલતે આજીવન સખ્ત કેદની,  એક આરોપીને એક વર્ષની સજા ફરમાવી છે.  જયારે ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે ગઈ તા. 14-1-2007 -ના મકરસંક્રાંતિના દિવસે રાત્રે આઠેક વાગ્યાની આસપાસ સાહેદ એભા અરજણભાઈના મેમણવાડામાં આવેલા ઘરની બહાર સ્થિત ઓટલા ઉપર તે ઉપરાંત હત્યાનો ભોગ બનનાર નવઘણ અરસી જાડેજા, અન્ય મહિલાઓ સહિતના લોકો બેઠા હતા. તે વખતે ત્યાંથી આરોપી રામદે ઉર્ફે કાલો રાજસી ઓટલા ઉપર કોણ-કોણ બેઠું છે તે જોવા, જાણવા અને ચકાસવા ત્યાંથી પસાર થયો હતો. એટલું જ નહીં તેણે ઓટલા ઉપર બેઠેલા એભા અરજણ તથા અન્ય સાહેદોને ગાળો ભાંડી હતી. જેથી સાહેદ એભા અરજણ અને અન્ય સાહેદોએ તેને ગાળો આપવાની ના પાડતાં ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

થોડી વાર બાદ તમામ આરોપીઓ ગેરકાયદે મંડળી રચી, છરી, તલવાર અને પિસ્તોલ સહિતના હથિયારો વડે ત્યાં ઘસી આવ્યા હતા અને ઓટલા ઉપર બેઠેલા તમામ સાહેદો ઉપર ખુની હુમલો કર્યો હતો. એટલું જ નહીં આરોપી ગાંગા માલદે ઓડેદરાએ તેની પાસે રહેલી પિસ્તોલ વડે આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં નવઘણ અરશીનું મૃત્યુ નિપજયું હતું.

આ ઘટના અંગે તમામ આરોપીઓ સામે ર્કિતી મંદિર પોલીસ મથકમાં રાયોટીંગ, ખુન, ખુનની કોશિષ અને  આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકાર તરફથી સ્પે. પી.પી. તરીકે એસ.આર. દેવાણીની નિમણુંક કરાઈ હતી. પરંતુ કેસ ચાલવા દરમિયાન તેમનું અવસાન થતાં પોરબંદરના જીલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવાની નિયુક્તિ થઈ હતી. 

પ્રોસીકયુશન તરફથી 63 જેટલા દસ્તાવેજી પુરાવા અને 50 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો, રજુઆતો અને પુરાવાઓ તપાસી અદાલતે આરોપી પુંજા રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા અને ગાંગા માલદે ઓડેદરાને આઈપીસી કલમ 302, 307 અને  આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન સખ્ત કેદની સજા અને જુદી-જુદી કલમો હેઠળ રૂા.૧૦પ૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જયારે આરોપી રામદે ઉર્ફે કાલો રાજસી ઓડેદરાને આઈપીસી કલમ પ૦૪ હેઠળ એક વર્ષની સજા અને રૂા.પ૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ કેસનો એક આરોપી વિરમ કેશુ ઓડેદરા હજુ સુધી પકડાયો નથી તેવું જાણવા મળ્યું છે.

જેને સજા ફટકારાઈ છે તે આરોપીઓ પૈકી ગાંગા માલદે ઓડેદરા પોરબંદર નગરપાલીકાના ભાજપના સુધરાઈ સભ્ય છે. જયારે પુંજા રામા ઓડેદરા પોરબંદરની જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસિએશનના ચેરમેન છે. 


Google NewsGoogle News