ફોર વ્હીલરની ચોરી કરતા ડોક્ટર સહિત ત્રણ ઝડપાયા
૧૪૦ થી વધુ ગુનાઓમાં ચોર ત્રિપુટીની સંડોવણી બહાર આવી
વડોદરા,ફોર વ્હીલરની ચોરીઓ કરતા ત્રણ રીઢા આરોપી કરતા ડોક્ટર સહિત ત્રણ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસની પૂછપરછ દરમિયાન ત્રણ ગુનાનો ભેદ ઉકલ્યો છે.
ફોર વ્હીલર ચોરી કરવાના તેમજ તોડી નાંખવાના ૧૪૦ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા (૧) હરેશ દુલાભાઇ માણીયા (રહે. સહજાનંદ રેસિડેન્સી, બાવાળા, જિ.અમદાવાદ) (૨) અરવિંદદુલાભાઇ માણીયા (રહે. નવજીવન પાર્ક, રેલવે સ્ટેશનની સામે, બાવળા, જિ.અમદાવાદ) તથા (૩) તાહેર અનવરહુસેન ત્રિવેદી (રહે. સમ્સ બિલ્ડિંગ,બેડીપરા, રાજકોટ) ને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે કાર, ત્રણ મોબાઇલ ફોન અને રોકડા ૨૫ હજાર મળી કુલ રૃપિયા ૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન રાવપુરાના બે અને કારેલીબાગના એક ગુનાના ભેદ ઉકલ્યા છે.
પકડાયેલા આરોપી પૈકી અરવિંદ એમ્બ્યુલન્સ ચલાવે છે. તેના ભાઇ સાથે રહી કાર ચોરી કરતો હતો. હરેશ માણીયા નેચરોપેથી ડોક્ટર તરીકે બાવળા ખાતે શ્રીજી ક્લિનિકના નામે દવાખાનુ ચલાવતો હતો. તેના પર ગુનાઓ નોંધાતા ક્લિનિક બંધ કરીને છેલ્લા ૧૧ વર્ષથી વાહનોની ચોરી કરે છે. જ્યારે આરોપી તાહેર રાજકોટમાં રાજ સ્ક્રેપના નામે ધંધો કરે છે. ૧૨ વર્ષ અગાઉ તે હરરેશના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંનેએ ચોરીઓ કરવાનું શરૃ કર્યુ હતું.