વડોદરામાં મોડી સાંજે 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મોડી સાંજે 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર:  ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત 1 - image

Vadodara Rain :  વડોદરા શહેરમાં ગુરૂવારે સાંજે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાંજે પાંચથી છ વાગ્યા સુધી એક ઇંચ અને છથી આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા  હતાં. ગુરૂવારે સાંજના સમયે લોકો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતાં. તા.૨4 જુલાઇના રોજ પડેલા ભારે વરસાદની યાદ શહેરીજનોને આવી ગઇ હતી. ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેર પાણી..પાણી.. થઇ ગયું હતું.

ગુરૂવારે સવારે અને બપોરે વાતાવરણ સ્વચ્છ હતું પરંતુ સાંજ પડતા જ વાતાવરણ બદલાયું હતું અને થંડરસ્ટ્રોમની અસર વડોદરામાં જણાઇ હતી. સાંજે સાડા ચાર વાગ્યા બાદ અચાનક વાદળો ઘેરાયા  હતા અને ઠંડા પવનોની સાથે શરૃઆતમાં ધીમી ધારે અને બાદમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ત્રણ કલાક સુધી ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. રેલવે સ્ટેશનનું ગરનાળુ પણ બંધ થઇ જતા પૂર્વ અને પશ્વિમ વિસ્તારના સંપર્ક વ્યવહારને અસર પડી હતી. 

ઓવરબ્રીજ પર પણ ટ્રાફિકજામ થઇ જતાં  હજારો વાહન ચાલકો અટવાયા હતાં. સાંજે પીકઅવર્સમાં જ ભારે વરસાદના કારણે લોકો રસ્તામાં જ અટવાઇ ગયા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે ચારથી છ વાગ્યા સુધી એક ઇંચ તેમજ છથી રાત્રે આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એક જ દિવસે ચાર ઇંચ વરસાદના કારણે કારેલીબાગમાં મુક્તાનંદ સર્કલ પાસે હંમેશની માફક પાણી ભરાઇ ગયા હતાં આ ઉપરાંત રાવપુરારોડ, લહેરીપુરા ગેટ, દાંડિયાબજાર, ગોત્રીરોડ સહિતના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકને પણ અસર થઇ હતી.  

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 અને સાંજે 94 ટકા હતું. આ ઉપરાંત મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસે પશ્વિમ દિશાના પવનની ગતિ 11 કિ.મી. પ્રતિ કલાક જ્યારે સાંજે છ વાગે 20 કિલોમીટર પ્રતિ કલાક નોધાઇ હતી.




Google NewsGoogle News