ઠંડીમાં તસ્કરો બેફામ: શહેરામાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા, લાખોના ઘરેણા-રોકડની ચોરી
Panchmahal News : ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા. જેમાં શહેરાના ગ્રીન પાર્ક સોસાયટી, મારૂતિ નંદન સોસાયટી અને વ્યાસવાળા વિસ્તારના ત્રણ મકાનોના તાળા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો અને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થયા છે. જેમાં ગઈ કાલે શનિવારની મોડી રાત્રિએ ઠંડીનો લાભ લઈને શહેરામાં ત્રણ અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનોને ચોરોએ ટાર્ગેટ કર્યા હતા. જેમાં શહેરા વિસ્તારમાં ગ્રીન પાર્ક સોસાયટી, મારૂતિ નંદન સોસાયટીના બે મકાનોને સહિત વ્યાસવાળા વિસ્તારના એક મકાનના તાળા તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. આ પછી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા.
આ પણ વાંચો: ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ
ગ્રીન પાર્ક સોસાયટીના એક મકાન માલિકે કહ્યું કે, અમે નડિયાદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. મારા સ્ટાફના માણસો વહેલી પ્હોરે ઉઠીને દુકાને ગયા હતા. ત્યારબાદ નવેક વાગે મારા માણસોને ઘરે જોવા જવાનું કહ્યું હતું. તો જાણવા મળ્યું હતું કે, મારા મકાનનું તાળુ તૂટેલું હતું. આ પછી તેમણે અમને ફોન કરીને જાણ કરી હતી. જેમાં અમે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ચોરોએ અમારા મકાનમાં ઘૂસીને મારા નાના ભાઈનું લગ્ન માટે રાખેલું 26 તોલા જેટલું સોનુ અને 700 ગ્રામ ચાંદી સહિત 7.85 લાખ રોકડ ચોરીને ભાગી ગયા. સમગ્ર ઘટનાને લઈને અમે શહેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને ચોરી મામલે વધુ તપાસ હાથ ધરી.