નાનપુરા-મક્કાઇપુલ ખાતેની ઘટના: MTB કોલેજમાં દહીંહાંડીના કાર્યક્રમના ઝઘડાની અદાવતમાં ત્રણ મિત્ર ઉપર ચપ્પુ વડે હુમલો
- ડાન્સ કરતી વેળા ધક્કો લાગતા ઝઘડો થતા અન્ય વિદ્યાર્થીઓએ મામલો થાળે પાડયો હતોઃ જો કે ચા પીવા ઉભા હતા ત્યારે મોપેડ ઉપર ઘસી આવ્યા
સુરત
અઠવાલાઇન્સ સ્થિત એમ.ટી.બી આર્ટસ કોલેજમાં જન્માષ્ટીના રોજ દહીંહાંડીના કાર્યક્રમમાં ડાન્સ કરતી વેળા ધક્કો લાગતા થયેલા ઝઘડાની અદાવતમાં નાનપુરા-મક્કાઇપુલ ખાતે કોલેજની વિદ્યાર્થી અને તેના બે મિત્રો ઉપર હુમલો કરી ચપ્પુ અને હાથમાં પહેરવાનું કડુ માથામાં મારી હત્યાનો પ્રયાસ કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.
અઠવાલાઇન્સ સ્થિત એમ.ટી.બી આર્ટસ કોલેજમાં ગત મંગળવારે જન્માષ્ટીને પગલે દહીંહાંડીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા પાર્થ ચેતન રામાનંદી (ઉ.વ. 19 રહે. ધ્રૃવતારક સોસાયટી, વેડ રોડ, સુરત અને મૂળ. મેઘપર, તા. જોડીયા, જામનગર) અને તેના મામાનો દીકર હર્ષ સુનીલ નિમાવત અને તેમનો મિત્ર વિશ્વજીત લાલજી પરમાર પણ ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતી વેળા વિશ્વજીતથી બાજુમાં ડાન્સ કરી રહેલા યુવકને ધક્કો લાગતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે ડાન્સ કરી રહેલા કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ મામલો શાંત પાડયો હતો અને દહીંહાંડીનો કાર્યક્રમ પતાવી ત્રણ વાગ્યાના અરસામાં પાર્થ, હર્ષ અને વિશ્વજીત સહિતના મિત્રો નાનપુરા મક્કાઇપુલ ખાતે ચા પીવા ગયા હતા. તે દરમિયાન ડાન્સ કરતી વેળા જેમની સાથે ઝઘડો થયો હતો તેઓ મોપેડ નં. જીજે-5 એનઝેડ-8264 ઉપર ત્રીપલ સવારી ઘસી આવી મારામારી કરવા લાગ્યા હતા. ત્રણ પૈકી એક યુવાને હાથમાં પહેરેલું કડુ પાર્થના માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. જયારે બીજાએ પાર્થને ચપ્પુ મારવાનો પ્રયાસ કરતા હર્ષએ હાથ પકડવા જતા તેને હથેળીમાં ઇજા થઇ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ત્રણેય જણાએ પાર્થને ધમકી આપી હતી કે તને ઘરે આવીને પતાવી નાંખીશું એમ કહી ભાગી ગયા હતા. ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેય હુમલાખોરની ધરપકડની તજવીજ હાથ ધરી છે.