મધ્ય ગુજરાતમાં પતંગની દોરીથી ગંભીર ઘાયલ થતાં ત્રણના કરૃણ મોત
ગળામાં દોરી ભરાઇ જતા લોહી લુહાણ થતા ૯ ઇજાગ્રસ્ત પતંગ લૂંટવા જતાં ટ્રકની અડફેટે બાળક ઘાયલ થયો
વડોદરા, મધ્ય ગુજરાતના વડોદરા, ભરુચ, પંચમહાલ, નર્મદા, દાહોદ અને મહીસાગરમાં પતંગ દોરાને કારણે ઘાયલ થવાના સાથે મૃત્યુ પામવાના બનાવો બન્યા હતા. ભરુચ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ત્રણના મોત થયા હતા.
વડોદરા જિલ્લામાં પાદરા નજીક કરખડી કેનાલ પાસે ૨૨ વર્ષના યુવાન મહેશ પરમાર (ઉં.વ.૨૨) ના ગળામાં દોરી આવી જતાં ગંભીર ઇજાગ્રસ્ત થતા મૃત્યુ થયું હતું જયારે કરખડી ગામે ખેતરમાં કામ કરતા યુવાનના ગળામાં દોરી ભરાતા ઘાયલ થયો હતો.
ભરુચ જિલ્લામાં શામલોદ ગામે ૩૨ વર્ષના યુવાન સંજય પાટણવાડિયાના ગળામાં દોરો ફસાતા લોહી લુહાણ થયા બાદ ગંભીર હાલતમાં મૃત્યુ થયું હતું. જયારે અટાલી ગામે એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જંબુસરમાં પણ એક ઘાયલ થયો હતો. પંચમહાલના હાલોલ નજીક રાહતળાવ ગામે પાંચ વર્ષના બાળક કૃણાલ પરમારના ગળામાં ધારદાર દોરી ફસાતા માસુમનું મૃત્યુ થયુ ંહતું. જયારે માંડવી ગામે યુવાન દોરીથી ઘાયલ થયો હતો. ભરુચ જિલ્લાના આમોદ તાલુકા નાહિયેર ગામ નજીક બાઇક સવાર યુવક સલાઉદ્દીન રણાનું દોરાથી ગળુ કપાતા ઘાયલ થતા વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. દાહોદના ફતેપુરામાં, વડોદરાના ડેસરમાં અને ડભોઇમાં પતંગ દોરીથી એકેક ઘાયલ થયા હતા. સાવલીના નારપુરા ગામે ધાબા પરથી નીચે પડકાતા ૨ ઘાયલ થયો હતો. દાહોદ તાલુકા નગરાળા ગામે પતંગ લૂંટવા જતા બાળકના પગ પર ટ્રકના પૈડા ફરી વળતા ગંભીર ઘાયલ થયો હતો. પંચમહાલના કાલોલ સ્ટેશન રોડ પર પિંગળી ગામના બાઇકસવાર યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા ગંભીર ઇજા થઇ હતી.