આજથી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રનો આરંભ થશે, માત્ર સરકારી વિધેયક પર ચર્ચા થશે
Gujarat Legislative Assembly Monsoon Session: બુધવાર એટલે કે આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર મળવા જઇ રહ્યું છે. જોકે, આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નિરસ બની રહે તેમ છે. જો કે સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટુંકી મુદતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શકયતા નહીવત છે.
શિક્ષકો, વનકર્મી, આંગણવાડી બહેનો વિરોધ કરે તેવી ભીતિ ન્યાય યાત્રાનો ય ડર, વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઇ
આ ચોમાસું સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024 અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક સુધારા વિધેયકો છે પણ એક માત્ર અઘોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે.
સત્રના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યાં છે ત્યારે અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. આ તરફ, વિપક્ષે સરકારને ઘેરવા તૈયારીઓ કરી છે. રાજકોટ અગ્નિકાંડ, સાયકલ ખરીદી કૌભાંડ, ફોરેસ્ટ ગાર્ડની ભરતી, બે આદિવાસી યુવકોની હત્યા સહિતના મુદ્દા ઉઠાવી વિપક્ષ ગૃહમાં હંગામો મચાવશે. વિધાનસભા સત્રને પગલે શાસક અને વિપક્ષે મોડી સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં રણનીતિ ઘડવામાં આવી હતી.આ ઉપરાંત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતીની પણ બેઠક મળી હતી.
આ તરફ, શિક્ષકો, વનકર્મી,આંગણવાડી બહેનો પડતર પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસની ન્યાયયાત્રા પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શિત કરે તેવી ભીતિ છે. આ કારણોસર ગુજરાત વિધાનસભા સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આમ, આજથી શરૂ થનારુ ચોમાસું સત્ર માત્ર ઔેપચારિક જ બની રહેશે.