કોર્પો.નું બજેટ મંજૂર કરવા તા.૧૭થી ત્રણ દિવસ બેઠક
તા.૧૩ની સાંજ સુધી બજેટ પર દરખાસ્તો રજૂ કરી શકાશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૬૨૧૯.૮૧ કરોડનું સ્થાયી સમિતિએ મંજૂર કરેલું બજેટ સમગ્ર સભામાં મંજૂર કરવા તા.૧૭થી ત્રણ દિવસ સુધી મળશે. આ બજેટ પર તા.૧૩ની સાંજે ૭ વાગ્યા સુધી દરખાસ્તો રજૂ કરી શકાશે.
સામાન્ય રીતે દર વખતે વિપક્ષની ૫૦૦થી વધુ દરખાસ્તો રજૂ થાય છે, અને ચર્ચાના અંતે તે ઉડાડી દેવામાં આવે છે. કોર્પો.ના બજેટ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૨૪૯ કરોડનું બજેટ પણ મંજૂરી માટે મૂકાશે. વર્ષ ૨૦૨૫-૨૬નું મૂળ બજેટ કમિશનરે ૫૦ કરોડના સૂચિત કરબોજ સાથે સ્થાયી સમિતિમાં ૬૨૦૦.૫૬ કરોડનું રજૂ કર્યું હતું. સ્થાયી સમિતિએ લાંબી ચર્ચાના અંતે ૫૦ કરોડનો સૂચિત કરબોજ ફગાવી દઈ કરવેરા વિનાનું બજેટ મંજૂર કર્યું હતું. એક્ટ મુજબ તા.૧૯ની રાતે ૧૨ સુધીમાં બજેટ મંજૂર કરી દેવાનું રહે છે.