ગીરમાં જલસો પડશે ગોવાના બીચ જેવો, આગામી 24 જાન્યુઆરીથી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ યોજાશે
Gujarat Tourism Department : રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવાં સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે તા.24થી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. જેમાં લાઇવ કોન્સર્ટ, લેઝર શો, પ્રવાસીઓ માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલો ગુજરાતના ગીરનો અહેમદપુર માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષનું કેન્દ્ર બનવા જઇ રહ્યો છે. અહીં ગીર સોમનાથ કલેક્ટરે મુલાકાત કર્યા બાદ બીચને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું છે. જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.24,25 અને 26ના રંગારંગ બીચ ફેસ્ટીવલ યોજવામાં આવશે. આ માટે જિલ્લાના તમામ વિભાગોને સાથે રાખી કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જર્મન એન્જિનિયરે નોકરી છોડી 35 દેશોમાં 30 હજાર કિલોમીટર ફરીને 4 ટન પ્લાસ્ટિક એકઠું કર્યું
અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓમાં સૌથી ઓછી ઓળખ ધરાવે છે, પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઇ પર્યટનને લઇ વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં ખારવા સમાજ અને તેની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડ, લાઇવ કોન્સર્ટ, લેઝર શો સહિત વિવિધ એક્ટિવિટી તથા ફૂડઝોનની મજા પ્રવાસીઓને માણવા માણશે.
ગીર સોમનાથ કલેક્ટરે જણાવ્યું હતું કે, અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઉભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય જોવાના પોઇન્ટ છે. આ બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે. દરિયાઇ આધારિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટીની અહીં સારી શક્યતા પણ જણાય છે. ત્રણ દિવસ યોજાનારા બીચ ફેસ્ટિવલને કારણે ગીરનો અહેમદપુર માંડવી બીચ નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે તથા પ્રવાસન ગતિવિધિને પણ વેગ મળશે.