ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, ડોલ્ફિન બની આકર્ષણનું કેન્દ્ર
Gujarat Tourism Department : ગીર સોમનાથ જીલ્લાના ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસથી ત્રિ-દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રારંભ સમયે આકાશમાં બલૂન ઉડાડીને કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય બીચ ફેસ્ટિવલનો ઉલ્લાસભર્યો શુભારંભ થયો હતો. અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવાં સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે તા. 24, 25 અને 26 થી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલની શરુઆત થઈ ગઈ છે. ફેસ્ટિવલ પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રવાસીઓ લાઇવ કોન્સર્ટ, લેઝર શોની મજા માણી શકે.
માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલો ગુજરાતના ગીરનો અહેમદપુર માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનવા બન્યો છે. અહીં ગીર સોમનાથ કલેક્ટરે મુલાકાત કર્યા બાદ બીચને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું છે. જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 24, 25 અને 26ના રંગારંગ બીચ ફેસ્ટીવલ શરુ કરવામાં આવ્યો છે.
ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ શરુ
અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓમાં સૌથી ઓછી ઓળખ ધરાવે છે, પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઇ પર્યટનને લઈને વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ શરુ થઈ ગયો છે. જેમાં ખારવા સમાજ અને તેની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડ, લાઇવ કોન્સર્ટ, લેઝર શો સહિત વિવિધ એક્ટિવિટી તથા ફૂડઝોનની પ્રવાસીઓને મજા માણી હતી.
ગીર સોમનાથમાં ડોલ્ફિન બની આકર્ષણનું કેન્દ્ર
ગીર સોમનાથ કલેક્ટરે જણાવ્યું હતું કે, અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઉભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય પોઇન્ટ છે. આ બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત દરિયાઇ આધારિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટીની અહીં સારી શક્યતા પણ જણાય છે. ત્રણ દિવસ યોજાનારા બીચ ફેસ્ટિવલને કારણે ગીરનો અહેમદપુર માંડવી બીચ નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, તેમજ પ્રવાસન ગતિવિધિને પણ વેગ મળ્યો છે.