વેસુમાં પાનની દુકાનમાં વિવિધ રમતો ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા
નાનપુરા માછીવાડનો કુખ્યાત બુકી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર રાજકોટના બુકી પાસેથી આઈડી મેળવી અન્યોને આઈડી-પાસવર્ડ આપતો હતો
તે માટે તેના હાથ નીચે બે બુકી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઝર ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી અને હિરલ ઉર્ફે જીગ્નેશ દેસાઈ કામ કરતા હતા
- નાનપુરા માછીવાડનો કુખ્યાત બુકી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર રાજકોટના બુકી પાસેથી આઈડી મેળવી અન્યોને આઈડી-પાસવર્ડ આપતો હતો
- તે માટે તેના હાથ નીચે બે બુકી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઝર ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી અને હિરલ ઉર્ફે જીગ્નેશ દેસાઈ કામ કરતા હતા
સુરત, : સુરતના વેસુ વીઆઈપી રોડ એબ્રોનીયા બિઝનેસ હબ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પાનની દુકાનમાં વિવિધ રમતો ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા નાનપુરા માછીવાડના કુખ્યાત બુકી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર અને તેના બે સાગરીતોને ઝડપી પાડી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરને આઈડી આપનાર રાજકોટના બુકી અને ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર પાસેથી આઈડી પાસવર્ડ મેળવી ગ્રાહકોને આપી સટ્ટો રમાડતા અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના ચાર બુકી મળી કુલ પાંચને વોન્ટેડ જાહેર કરી તેમની પાસેથી રૂ.4.30 લાખની મત્તાના પાંચ મોબાઈલ ફોન કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત મોડીસાંજે વેસુ વીઆઈપી રોડ એબ્રોનીયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અખિલેશ યાદવના ભાડાની દુકાનમાં ચાલતા પાનવાડી પાન સેન્ટરમાં રેઈડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે ત્યાં ટેબલ-ખુરશી પર બેસીને મોબાઈલ ફોનમાં ક્રિકેટ, કસીનો, ટેનીસ, ફુટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઇવ ગેમ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમાડતા ગજાનંદ ઉર્ફે ગજુ જશવંતભાઇ ટેલર ( ઉ.વ.43, રહે.ઘર નં.1/2326, નાનપુરા માછીવાડ, મચ્છી માર્કેટની પાછળ, સુરત ), ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી કીરીટભાઇ ગોઠી ( ઉ.વ.41, રહે.સી-10, શિવક્રુપા સોસાયટી, અંબાનગર, ઉધના મગદલ્લા રોડ, સુરત ) અને હીરલ ઉર્ફે જીગ્નેશ પ્રફુલભાઇ દેસાઇ ( ઉ.વ.41, રહે.201, સાંઇ કોમ્પ્લેક્ષ, પટેલ ફળીયુ, ઉઘના ગામ, સુરત ) ને ઝડપી લીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરના હાથ નીચે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઝર ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી અને હિરલ ઉર્ફે જીગ્નેશ દેસાઈ ઓનલાઈન ગેમની વેબસાઈટ સંભાળી ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપવાનું કામ કરતા હતા.ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરને આઈડી રાજકોટના બુકી વીરાજે આપ્યું હતું.જયારે તેના બે સાગરીતો મારફતે ચાર બુકી અમદાવાદનો વીરલ, અમરેલીનો કેતન, મહેસાણાનો ચેતન અને પાટણનો અમિત આઈડી પાસવર્ડ મેળવી અન્ય ગ્રાહકોને સટ્ટો રમવા આપતા હતા.દરેક ગ્રાહકનો હિસાબ દર સોમવારે થતો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેના રૂ.4.30 લાખની મત્તાના પાંચ મોબાઈલ ફોન કબજે કરી તપાસ કરતા તેમાં અન્યના નામે લીધેલા ડમી સીમકાર્ડ હતા.
ક્રાઈમ બ્રાન્ચે ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરને આઈડી આપનાર રાજકોટના બુકી અને ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર પાસેથી આઈડી પાસવર્ડ મેળવી ગ્રાહકોને આપી સટ્ટો રમાડતા અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના ચાર બુકી મળી કુલ પાંચને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા પૈકી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર અગાઉ ઉમરા, જહાંગીરપુરા, ક્રાઈમ બ્રાન્ચ, ડુમસ, મહિધરપુરામાં જુગારના છ કેસમાં ઝડપાયો છે.અગાઉ તે મહિધરપુરામાં ઝડપાયો હતો ત્યારે તેની તપાસમાં તે વિદેશમાં કરોડોમાં આઈડી બનાવડાવી સમગ્ર ગુજરાતમાં વેચતો હોવાનો ખુલાસો થયો હતો.હીરલ દેસાઈ પણ ઉધનામાં જુગારના ગુનામાં ઝડપાયો છે.ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઝર છે અને અગાઉ ટીક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સાથે વિવાદમાં આવી ચુક્યો છે.