Get The App

સુરતીઓ સાચવજો! તંત્રના પાપે ત્રણ બાઇક ચાલકો ખાડામાં ખાબક્યા, શું જીવ લઇને જ જંપશે કોર્પોરેશન!

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
સુરતીઓ સાચવજો! તંત્રના પાપે ત્રણ બાઇક ચાલકો ખાડામાં ખાબક્યા, શું જીવ લઇને જ જંપશે કોર્પોરેશન! 1 - image


Surat Corporation : સુરત પાલિકાની ગંભીર બેદરકારીને કારણે બુધવારે વહેલી સવારે પાલ વિસ્તારમાં તુટેલી પાણીની લાઈનના ખાડામાં વાહન ચાલકો ખાબક્યા હતા. વહેલી સવારે પાણીની લાઈન તૂટી હતી ત્યાં પાણીનો ભરાવો થયો હતો અને મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો ખાડામાં પડ્યા હતા અને માંડ જીવ બચાવ્યો હતો. બપોર સુધી પાલિકા તંત્ર ન ફરકતા અકસ્માત અટકાવવા લાલ કપડું બાંધી દીધું હતું. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે વોક વે નજીકથી પસાર થતા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. રાંદેર ઝોનના પાલ કેનાલ રોડ સીએનજી પમ્પ નજીકથી પસાર થતો રોડ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. આ પહેલાં આ રોડ પર સીસી રોડ અને બ્લોક લેવલમાં ન હોવાથી અનેક વાહનોના અકસ્માત થયા હતા.

બુધવારે જે જગ્યાએ પાણી લાઈન તુટી તે જગ્યાએ છેલ્લા બે વર્ષથી એક સરખી સમસ્યા આવી રહી છે. બે મહિના પહેલાં પણ આ જગ્યાએ ખાડો પડ્યો હતો તેને પાલિકાએ રીપેર કર્યો હતો. આવી જ રીતે ચોમાસા દરમિયાન પણ આ રોડ લેવલમાં ન હોવાથી અનેક અકસ્માત થઈ રહ્યાં છે.

સુરતીઓ સાચવજો! તંત્રના પાપે ત્રણ બાઇક ચાલકો ખાડામાં ખાબક્યા, શું જીવ લઇને જ જંપશે કોર્પોરેશન! 2 - image

 વહેલી સવારે વોક વેની બાજુના રોડ પર પાણીની લાઈન તૂટી જતાં ફુવારા ઉડ્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ ખાડો પડ્યો હતો તેમાં પણ પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જતાં લોકો આ ખાડાથી અજાણ હતા તેથી ખાડામાં બાઈક સાથે ખાબક્યા હતા.

વહેલી સવારે આ અકસ્માત થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પછી અકસ્માત રોકવા માટે લાલ કપડું ખાડા બહાર લગાવી દીધું હતું. સ્થાનિકો કહે છે, છેલ્લા બે વર્ષથી એક જ જગ્યાએ સમસ્યા થાય છે તેનું પાલિકાએ કાયમી નિરાકરણ લાવવું જોઈએ નહીં તો કોઈનો જીવ જશે.


Google NewsGoogle News