ભાયલી પાસે ક્લબની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી ત્રણ બેગોની ચોરી
ભાયલી પાસે આવેલી એક ક્લબમાં લગ્ન પ્રસંગ માટે આવેલ અમદાવાદના યુવાનની કારનો કાચ તોડી રોકડ, કપડા અને દાગીના મુકેલ ત્રણ બેગોની ચોરી ગઠિયાઓએ કરી હતી.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં વીઆઈપી રોડ ઉપર કાવીશા અમારા મેઈન ખાતે રહેતા મૌલિક ઘનશ્યામભાઈ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારા મિત્ર વિજય ચૌહાણના પુત્ર કેતુલના લગ્ન વડોદરામાં ભાયલી નજીકની વેવ્સ ક્લબમાં હોવાથી તારીખ 22 ના રોજ સાંજે હું મારી પત્ની અને પુત્ર ત્રણે વડોદરા આવ્યા હતા અને વેવ્સ ક્લબની સામે સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડ વોલ પાસે કાર પાર્ક કરી અમે લગ્ન પ્રસંગમાં ગયા હતા.
રાત્રે 10:00 વાગે હું અને મારો પુત્ર બંને ગાડી પાસે આવ્યા અને કારનું લોક ખોલતા પાછળની સાઈડનો ડાબી બાજુના દરવાજાનો ગ્લાસ તૂટેલો જણાયો હતો તેમજ પાછળની સીટ પર મુકેલ લગ્ન પ્રસંગમાં પહેરવા માટેના કપડા, દાગીના, ઈયર બર્ડ્સ, ઘડિયાળો અને રોકડ મળી આશરે 66000 ની મત્તા મુકેલ ત્રણ બેગોની ચોરી થઈ હોવાનું જણાયું હતું. કોઈ અજાણ્યા શખ્શે કારનો કાચ તોડી ચોરી કરી હોવાની ઉપરોકત ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.