રાત્રિ બજારમાં શસ્ત્રો સાથે ઉત્પાત મચાવનાર ત્રણ હુમલાખોરો જેલભેગા,હથિયારો કબજે
વડોદરાઃ રાત્રિ બજારમાં ઘાતક શસ્ત્રો સાથે ઉત્પાત મચાવી દુકાનમાં તોડફોડ અને લૂંટ કરનાર ત્રણ હુમલાખોરોને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
કારેલીબાગના રાત્રિ બજારમાં નાતાલની રાતે પાણીપુરીના પૈસા આપવાના મુદ્દે તકરાર થયા બાદ ધમકી આપીને ગયેલા યુવકો ધારિયા અને લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ભારે ઉત્પાત મચાવ્યો હતો.
હુમલાખોરોએ આઇસક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો કરી કાઉન્ટરમાંથી રૃ.૭૦૦ લૂંટી લીધા હતા.બનાવને પગલે રાત્રિ બજારમાં બેઠેલા ગ્રાહકોએ નાસભાગ કરી મૂકી હતી અને વેપારીઓ પણ ગભરાઇને સંતાઇ ગયા હતા.
હરણીના પીઆઇ એસ વી વસાવાએ કહ્યું હતું કે,ચાર હુમલાખોરો પૈકી રિમાન્ડ પર લેવાયેલા (૧) મોઇન ઉર્ફે હીપીપ મહેબુબખાન પઠાણ(મારવાડી મહોલ્લો, ભાંડવાડા, ફતેપુરા(૨) રહેનાખાન ઉર્ફે બાબા આબાદખાન પઠાણ(મસ્જિદ વાળી ગલી, ભાંડવાડા,ફતેપુરા)અને (૩) ઉવેશ ઉર્ફે બાબા જાકીરભાઇ શેખ(હાલ રહે.દરબાર રેસિડેન્સી,કિશાન નગર,ડભોઇરોડ મૂળ ધૂળ ધોયા વાડ,ફતેપુરા)ને કોર્ટે જ્યુ.કસ્ટડીમાં મોકલ્યા છે.જ્યારે એક સગીર હતો.