થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં પોલીસ એલર્ટ,ગેંડા સર્કલની કેફેમાંથી દારૃની બોટલ સાથે 3 પકડાયા
વડોદરાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૃ પી ને છાકટા બનતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.જેના ભાગરૃપે ગેંડા સર્કલ પાસેના કેફેમાંથી પોલીસે બે પીધેલા સહિત ત્રણને ઝડપી પાડયા હતા.
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૃની રેલમછેલ થતી હોવાથી પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરવા માટે આદેશ આપ્યો છે.આ ઉપરાંત શકમંદો તેમજ બૂટલેગરો પર પણ નજર રાખવા કહેવાયું છે.
ગોરવા પોલીસ ગઇકાલે નાતાલને દિવસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગેંડા સર્કલ પાસે એટલાન્ટિસ કોમ્પ્લેક્સ ખાતે હોલીસ્ટ બાઇટ્સ નામના કેફેમાં તપાસ કરતાં કાઉન્ટર પર બેઠેલા મિલન પ્રકાશરાવ શિતોળે(સમન હાઇટ્સ સપ્તર્ષી,મોનાલિસા પાસે,અવધૂત ફાટક,માંજલપુર) પાસેથી દારૃની અડધી બોટલ મળી આવતાં પોલીસે બોટલ અને મોબાઇલ કબજે લીધા હતા.
પોલીસે કેફેમાં ચેકિંગ કરતાં ત્યાં બેઠેલા વિવેક વજેસિંહભાઇ સોલંકી(શિવ કોમ્પ્લેક્સ, ન્યુ અલકાપુરી-લક્ષ્મીપુરા) અને વિધાન ઉદયભાઇ પરમાર(જયલક્ષ્મી ડુપ્લેક્સ,ટીપી-૧૩, છાણી જકાત નાકા) દારૃના નશામાં મળી આવતાં પોલીસે ત્રણેય જણા સામે દારૃ બંધીના ભંગ બદલ કેસ કરી અટકાયત કરી હતી.