સોમનાથના રામ મંદિરે લખાયેલા સવા ત્રણ કરોડ 'રામ' મંત્રો અયોધ્યા પહોંચશે
વડાપ્રધાન સહિતના મહાનુભાવો રામ મંત્ર લેખનમાં જોડાયા એક કરોડ એકતાલીસ લાખ મંત્રોનાં લેખનના લક્ષ્યાંકથી અઢી ગણા મંત્રો લખાયા, 63 દિવસે લેખનયજ્ઞા પુરો
પ્રભાસ પાટણ, : અયોધ્યામાં નવા બની રહેલા રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં આધ્યાત્મિકતાનો માહોલ રચાઇ ગયો છે. અહીંં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, દેશના વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ 'રામ' નામ મહામંત્ર લેખન કરીને શરૂ કરાવેલા રામનામ મહામંત્ર લેખન કાર્યની આજે પૂર્ણાહૂતિ થઇ છે. લેખન પ્રારંભ વખતે એક કરોડ એકતાલીસ લાખ 'રામ' મંત્ર લેખનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ૬૩ દિવસમાં સવા ત્રણ કરોડ રામ મંત્રનું લેખન થઇ ચૂક્યું છે. આ બધી મંત્ર લેખન બૂકોને અયોધ્યા મોકલી આપવામાં આવશે.
સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલ સોમનાથ તિર્થક્ષેત્રમાં ભગવાન શ્રીરામના મંદિરે ગત તા. 9 નવેમ્બર- 2023થી તા. 10 જાન્યુ. સુધીમાં 63 દિવસ સુધી રામનામ મંત્ર લેખનનો મહાયજ્ઞા ચાલતો રહ્યો હતો. જેમાં અંદાજે સવા ત્રણ કરોડ 'રામ' નામ મંત્ર બુકમાં લખાયા છે. અગાઉ પ્રારંભ વખતે 1 કરોડ 41લાખ મંત્ર લેખનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આમ લક્ષ્યાંકથી અઢી ગણા વધુ લખાયેલા મંત્ર જાપના આ ચોપડાઓ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ખાતે ધામધૂમ-વિધિ વિધાન કરી મોકલવામાં આવશે.
શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરમાં મંત્ર લેખન મહાયજ્ઞાનો શુભારંભ સૌ પ્રથમ 'રામ' નામ મંત્ર લખી ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીએ કર્યો હતો. ત્યારબાદ જુદા-જુદા સમયે સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત, રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાહિત્યકારો-કલાકારો તેમજ યાત્રિકો તથા દર્શનાર્થિઓએ પણ લેખનયજ્ઞામાં ભાગ લીધો હતો.