મુંબઈમાં લૂંટ કરીને ભાગતા ત્રણ આરોપી ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર પકડાયા
ભાયંદરમાં સોનાની લૂંટ કરવામાં આવી હતી
દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાંથી રેલવે પોલીસ દ્વારા પકડીને મુંબઈ પોલીસના હવાલે કરવામાં આવ્યા
શહેરોમાં ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપીને આરોપીઓ બીજા
શહેરોમાં ભાગી જવા માટે રેલવેનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના મુંબઈ
ખાતે બની હતી. જે અંગે મળતી વિગતો પ્રમાણે મુંબઈના ભાયંદર વિસ્તારમાં એક વ્યક્તિનો
સોનાનો દોરો તેમજ અન્ય ચીજ વસ્તુઓ લૂંટીને ત્રણ જેટલા આરોપીઓ રેલવે સ્ટેશન
પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હતા.
મુંબઈ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી અને આ આરોપીઓના સીસીટીવી મુંબઈના
રેલવે સ્ટેશન ઉપર મળી આવ્યા હતા જેના પગલે અમદાવાદ સ્થિત રેલવે પોલીસને જાણ
કરવામાં આવી હતી અને તેના પગલે ગાંધીનગર રેલ્વે પોલીસની ટીમો પણ એલર્ટ થઈ ગઈ હતી.
આરોપીઓ દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં સવાર હતા. જેના પગલે ગાંધીનગર સ્ટેશન ઉપર
આ ટ્રેન પહોંચી ત્યારે રેલવે પોલીસ દ્વારા બાતમીના આધારે આ ત્રણેય શખ્સોને ઝડપી
લેવામાં આવ્યા હતા. જેમની પૂછપરછ કરતા તે નવસાદહસન અલીમુદ્દીન, રહે,રુદ્રપુર ઉતરાખંડ, અયુબ હસન કલવા, રુદ્રપુર ઉતરાખંડ
અને ફારુક લાહોરી રુદ્રપુર ઉતરાખંડ હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ રેલવે પોલીસ
દ્વારા આ અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી અને આરોપીઓની વધુ
પૂછપરછ કરીને તેમને મુંબઈ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા.