SMCની ટીમ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ રિમાન્ડ પર
ત્રણેય આરોપીઓ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે : કન્ટેનરની નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હતા
વડોદરા,શહેર નજીક નેશનલ હાઇવે પાસે દરજીપુરા ખાતે વિદેશી દારૃના કટિંગ સમયે જ સ્ટેટ મોનિટરિંગ સેલે(એસએમસી)દરોડો પાડયો હતો. પોલીસની રેડ થતા જ બૂટલેગરોએ પથ્થરમારો કર્યો હતો.જેના પગલે પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
એસ.એમ.સી.ની ટીમને માહિતી મળી હતી કે, વડોદરા મુંબઇ નેશનલ હાઇવે પર દરજીપુરા ઓવર બ્રિજની સામે આવેલા વી ટ્રાન્સ કંપનીના ગોડાઉની બાજુમાં ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં દારૃ ભરેલા કન્ટેનરમાંથી દારૃનું કટિંગ ચાલી રહ્યું છે.જેથી, ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસની એન્ટ્રી પડતા જ બૂટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. આરોપીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.મુખ્ય સૂત્રધાર જુબેર સફીભાઇ મેમણ ( રહે. મુફિત કિતાબ ઘરની પાસે, વાડી) અને તેની સાથેનો જાડિયો વ્યક્તિ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ પરથી ફિરોજ યાકુબભાઈ દિવાન (આજવા રોડ,વડોદરા), અલ્તાફહુસેન યાકુબહુસેન દિવાન (યાકુતપુરા, વડોદરા)અને રતનસિંંહ જબ્બરસિંંહ સોઢા (એકતા નગર,આજવા રોડ) ને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી એક કન્ટેનર અને એક કાર કબજે કરી ૨૨.૬૯ લાખ ની કિંમતની દારૃની ૧૦,૧૪૧ નંગ બોટલો,ત્રણ મોબાઇલ અને રોકડ મળી કુલ ૬૨.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પી.આઇ. હરિત વ્યાસે ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો દમણ ખાતે કોની પાસેથી લાવ્યા હતા. તે અંગે તપાસ કરવાની છે. કન્ટેનર સહિતના વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હતા.ત્રણેય આરોપીઓ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. જેથી, તેઓ પોલીસને તપાસમાં સહકાર આપતા નથી. દારૃબંધીના કડક અમલ માટે ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ જરૃરી છે. આરોપીઓના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સ મેળવવાની છે. કોર્ટે ત્રણેય આરોપીઓના ત્રણ દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.