હુમલો કરનાર પિતા - પુત્ર સહિત ત્રણ આરોપી જેલમાં ગયા
પોલીસે રિમાન્ડ પણ ના માંગ્યા : ઇજાગ્રસ્ત હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા,પાણીગેટ બાવચાવાડમાં લગ્ન પ્રસંગે ગયેલા યુવક પર તેના સાઢુભાઇ તથા સાઢુભાઇના પુત્ર અને ભત્રીજાએ હુમલો કર્યો હતો. આ ગુનામાં પકડાયેલા આરોપીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતો હિતેશ રાજારામભાઇ કહાર બે દિવસ પહેલા રાતે સવા બાર વાગ્યે પત્ની નિલમ તથા દીકરા સાથે કૌટુંબિક સાળા દિપક કહારના દીકરા ભાવેશના લગ્નમાં પાણીગેટ શાક માર્કેટ તરફ ગયા હતા. જ્યાં તેમના સાઢુભાઇ નરેશ ઉર્ફે લાલી શિવાભાઇ કહાર તથા તેનો દીકરો હર્ષ ( બંને રહે. પ્રભાત સોસાયટી, વાઘોડિયા રોડ) બંનેએ જૂના ઝઘડાની અદાવત રાખી ગાળો બોલી મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નરેશ ઉર્ફે લાલી કહારે ફેંટો મારી હતી. હર્ષ કહારે ચાકૂ અને નરેશના ભત્રીજા શિવમ જતીનભાઇ કહારે તલવારથી હુમલો કર્યો હતો. પાણીગેટ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. ગઇકાલ સુધી રિમાન્ડ માંગવાની વાત કરતી પોલીસે આજે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા નહતા. કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત યુવક હજી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.