કડી ભેખડ દુર્ઘટના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ, 9 શ્રમિકોએ ગુમાવ્યા હતા જીવ
Jasalpur Landfall: કડી તાલુકાના જાસલપુર નજીક શનિવારે (12 ઓક્ટોબરે) સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં ભેખડ ધસી પડતાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં જવાબદાર ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવતાં ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બેદરકારી દાખવનાર એન્જીનિયર, કોન્ટ્રાક્ટર અને લેબર કોન્ટ્રાક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે.
સલામતીના સાધનો અભાવ
જાસલપુરમાં સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાંકામ કરતી વખતે માટી ઘસી ન પડે તે માટે કોઇપણ પ્રકાર સપોર્ટ અથવા પાલખ બાંધવામાં આવ્યા ન હતા. ખાડામાં ચણતર કામ કરી વખતે માટી ભેખડ ધસી પડવાની સંભાવના હોવાછતાં મજૂરોને ચણતર કામ માટે ખાડામાં ઉતારવામાં આવ્યા હતા. સેફ્ટીના સાધનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી આ ઘટનામાં જવાબદાર એન્જીનિયર કૌશિકભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર જયેશભાઈ દોશી અને લેબર કોન્ટ્રાક્ટર દિનેશભાઇ ભુરિયા વિરૂદ્ધ બેદરકારી દાખવી હોવાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાં બંદૂકની અણીએ 80 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારીને બનાવાયો નિશાન
શું હતી ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના જાસલપુરમાં સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાંકામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પાંચથી છ કલાકના રેસ્ક્યું ઓપરેશન બાદ 9 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે એક 19 વર્ષના શ્રમિકનો બચાવ થયો હતો.
એક શ્રમિકનું કહેવું છે કે, '20 ફૂટ ઉંડા ખાડાને સમતળ કરવાની કામગીરી ચાલુ હતી. અને બાજુમાં જેસીબીથી કામ ચાલતુ હતું. જેના કારણે માટી ધસી પડતા લોકો દટાયા હતા. માટી ધસી પડવાની સાથે બાજુમાં રહેલી ઈંટોની દિવાલ પણ ધસી પડી હતી'.
આ ઘટનામાં માલિકની બેદરકારી સામે આવી છે. આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કામદારોએ જણાવ્યું હતું કે, ‘આ ભાગ જોખમી છે, મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. પરંતુ તેમની વાતની અવગણના કરાઈ હતી અને કામગીરી આગળ ધપાવી હતી. છેવટે નવી ફેક્ટરીની બની રહેલી દીવાલ ધસી પડી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત
આ ઘટનામાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. એવી જ રીતે, કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.