અમારી દીકરીને હાજર નહીં તો...પ્રેમિકા સાથે ભાગી ગયેલા યુવાનની માતા અને પિતરાઈ ભાઈ પર હુમલા બાદ ઘમકી
Jamnagar Crime : જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ તેઓના ઘરે ઘસી જઇ લાકડી વડે હુમલો કરી દીધો હતો, અને અમારી પુત્રીને હાજર કરો નહીં તો તમને પતાવી નાખશું તેવી ધમકી આપી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચાર સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર નંદન પાર્ક શેરી નંબર-2 માં રહેતા વર્ષાબેન દીવાનભાઇ થડાણી નામના 51 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના દિયરના પુત્ર સંદીપ ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પ્રેમિકાના પિતા ફતેસિંહ, તેમજ ભાઈ ઋષિરાજસિંહ, નિલેશ અને પ્રેમિકાની માસી વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓએ વર્ષાબેનના ઘેર જઈ તમારો પુત્ર પુનિત કે જે અમારી પુત્રીને નસાડી ગયા છે, જેને હાજર કરો નહીં તો સમગ્ર પરિવારને પતાવી નાખશું તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.