કન્સ્ટ્રક્શનનું કામ કરતા પિતા-પુત્રને બે દિવસની મહોલત : અજાણ્યા શખ્સોએ કહ્યું,પૈસા નહિ મળે તો મર્ડર થઇ જશે
Vadodara Crime News: અલકાપુરી વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા પિતા-પુત્રને ગઇકાલે સવારે ફ્લેટ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રવિણભાઇને પૈસા આપી દો તેમ કહી બે દિવસમાં પતાવી દેવાની ધમકી આપતાં સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.
અલકાપુરીના રામક્રિષ્ણા ફ્લેટસમાં રહેતા રાકેશ ઝીણાભાઇ દુધાતે પોલીસને કહ્યું છે કે, મારા લગ્ન પ્રવિણભાઇની પુત્રી સાથે થયા હતા. પરંતુ વર્ષ-2021માં અમારા ડીવોર્સ થયા હતા.ત્યારબાદ અમારા બંનેના બીજે લગ્ન થઇ ગયા છે.
ગઇકાલે સવારે હું ઘેર હતો ત્યારે આઠેક વાગે ડોરબેલ વાગી હતી.હું દરવાજા પાસે ગયો તો બે અજાણ્યા શખ્સો દેખાયા હતા અને ઝીણાભાઇ ક્યાં છે તેમ પૂછ્યું હતું. મેં પિતા સૂઇ રહ્યા છે તેમ કહેતાં તેમણે અમદાવાદથી આવીએ છીએ તેમ કહ્યું હતું.મારા પિતા આવી જતાં બંનેને અંદર બોલાવ્યા હતા.
રાકેશે કહ્યું છે કે, મારો પરિચય આપતાં તેમણે પ્રવિણભાઇને પૈસા કેમ આપ્યા નથી તેમ કહી ધમકી આપવા માંડી હતી. મારા પિતાએ વાત કરાવવાનું કહેતાં તેમણે કોલકર્યો હતો. પરંતુ સામેથી નો રિપ્લાય આવ્યો હતો. અમારે કોઇ પૈસા આપવાના રહેતા નથી તેમ કહેતાં બંને જણાએ કારમાં હથિયાર લઇને આવ્યા છીએ.. તેમ કહી નીચે જોઇ જવા કહ્યું હતું. બે દિવસમાં રૂપિયા નહિ મળે તો પતાવી દઇશું તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ બંને જણા લાલ કલરની કિયા અને થાર કારમાં ચાલ્યા ગયા હતા. સયાજીગંજ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.