વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ નહીં રખાય તો આંદોલનની ચિમકી
- અસ્મિતા મંચ દ્વારા અધિક કલેકટરને આવેદન પત્ર અપાયું
- વઢવાણ ઐતિહાસિક વારસો ધરાવતું હોવા છતાં મહાનગરપાલિકાના નામમાં સમાવેશ ન કરાતા રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ 'સુરેન્દ્રનગર મહાનગરપાલિકા' નામ રાખવામાં આવ્યું છે. પરંતુ નામમાં વઢવાણના નામનો સમાવેશ કરવામાં ન આવતા વઢવાણવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અસ્મિતા મંચ દ્વારા આ મામલે અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને તાજેતરમાં મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવામાં આવ્યું છે પરંતુ આ નામમાં ક્યાંય વઢવાણનો ઉલ્લેખ કરવામાં ન આવતા વઢવાણવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જે મુદ્દે બે દિવસ પહેલા આગેવાનો અને નાગરિકોની બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠક બાદ વઢવાણ અસ્મિતા મંચના નેજા હેઠળ જિલ્લાના અધિક કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામમાં ફેરફાર કરી વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
જ્યારે ઉપસ્થિત આગેવાનોએ આ તકે જણાવ્યું હતું કે વઢવાણ પ્રાચીન નગરી છે અને અંદાજે ૨૫૦૦ વર્ષ જુનો ઐતિહાસીક વારસો ધરાવે છે. વઢવાણ ખાતે સતી રાણકદેવીનું મંદિર, હવા મહેલ, રાજમહેલ, વગેરે પ્રાચીન સ્થાનકો આવેલા છે. વઢવાણના રાજવીએ જ સુરેન્દ્રનગર શહેરની સ્થાપના કરી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ રાખવું અયોગ્ય છે અને વઢવાણવાસીઓની લાગણીઓ દુભાઈ રહી છે. આ મામલે કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં રેલી, ધરણા, ગામ બંધનું એલાન સહિતના કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. આ તકે અસ્મિતા મંચના આગેવાનો, શહેરીજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.