Get The App

સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં, તો આંદોલનની ચિમકી

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં, તો આંદોલનની ચિમકી 1 - image


- સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ રજૂઆત

- હંગામી કામદારોને કાયમી કરવા, કાયમી કામદારોને સાતમા પગાર પંચનો લાભ સહિતની માંગ કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારો પોતાની પડતર માંગો અંગે છેલ્લા ઘણા સમયથી મૌખીક અને લેખિત રજૂઆત કરી રહ્યાં છે. તેમ છતાં પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવતા સફાઇ કામદારોએ પાલિકા કચેરી ખાતે સુત્રોચ્ચાર સાથે ઉગ્ર રજુઆતો કરી હતી અને મહાનગરપાલિકા થાય તે પહેલા તમામ માંગોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં અંદાજે ૩૫૦થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ કામદારો વર્ષ ૨૦૦૭થી પાલિકામાં ફરજ બજાવી રહ્યાં છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. મહાનગરપાલિકા બને ત્યારે તમામ સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે અને વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયેલા કાયમી સફાઈ કામદારોને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે સહિત કોન્ટ્રાક્ટર દ્વારા છુટ્ટા કરવામાં આવેલા ૬૦થી વધુ સફાઈ કામદારોને નોકરી પર પરત લઈ બાકીનો પગાર ચુકવવામાં આવે સહિતની વિવિધ માંગો સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. સફાઇ કામદારોએ પડતર માંગોનો ઉકેલ નહીંં આવે તો આગામી દિવસોમાં ધરણા, પ્રતિક ધરણા સહિત ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી બે-ચાર દિવસમાં જ સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા સત્તાવાર રીતે જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોએ પોતાની પડતર માંગો અંગે પાલિકા તંત્રને લેખીત રજૂઆત કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.


Google NewsGoogle News