વડોદરામાં પૂરમાં ફસાયેલા હજારો પરિવારોના દૂધ-પાણી માટે વલખાં, બે દિવસથી મદદ પહોંચી નથી, મોબાઈલ પણ બંધ થયા
Flood In Vadodara : વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ અભૂતપૂર્વ ખાના ખરાબી સર્જી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે હજારો પરિવારો દૂધ અને પાણી વગર ટળવળી રહ્યાં છે. તેઓ રેસ્ક્યૂ માટે સતત સંદેશાઓ પહોંચાડી રહ્યા છે પણ હજી તેમના સુધી મદદ પહોંચી નથી.
વડોદરામાં આજે સતત ત્રીજા દિવસે 50 ટકાથી વધારે વિસ્તાર પાણીમાં છે. તેમાં પણ જ્યાં રસ્તા પર પાંચથી છ ફૂટ પાણી છે તેવા વિસ્તારોમાં હજારો પરિવારો પોતાના મકાનો કે ફ્લેટમાં કેદ થઈ ગયા છે.
ફાયર બ્રિગેડ઼, કોર્પોરેશન, પોલીસ તંત્ર પર આવા પરિવારોને રેસ્ક્યું કરવા માટે હજારોની સંખ્યામાં કોલ આવી ચૂક્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકો વડોદરામાં દૂધ અને પાણી પુરુ પાડવા માટે નીકળ્યાં છે પણ પૂરના પાણીમાં તેઓ બધે પહોંચી શકે તેમ નથી. જેના કારણે પાણી વચ્ચે પોતાના ઘરોમાં ફસાયેલા કેટલાય લોકો પાણી અને દૂધ વગર ટળવળી રહ્યાં છે. બે દિવસથી વીજળી પણ નહીં હોવાના કારણે તેમને પીવાના પાણીના પણ ફાંફા છે.
આવા ઘણા લોકો સુધી તંત્ર પહોંચી શક્યું નથી અને હવે તો વડોદરાના સેંકડો લોકો એવા પણ છે જેઓ વીજળીના અભાવે મોબાઈલ ચાર્જ નહીં કરી શકતા હોવાથી તેમનો બહારની દુનિયા સાથે સંપર્ક પણ કપાઈ ગયો છે. તેઓ મદદ માટે સંદેશો મોકલી શકે તેવી સ્થિતિમાં પણ કદાચ નથી.
તંત્ર દ્વારા હવે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને સાથે આર્મીની પણ મદદ લેવામાં આ વી રહી છે. આમ છતા ફસાઈ ગયેલા હજારો પરિવારો સુધી મદદ ક્યારે પહોંચશે તેની કોઈને ખબર નથી.