અંધકારમાં શિક્ષણ : એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સના હજારો વિદ્યાર્થીઓને પહેલા દિવસે અંધારામાં ઇન્ટરનલ પરીક્ષા આપી
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ટી.વાય અને એમ.કોમની ઇન્ટર્નલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પહેલા દિવસે વિદ્યાર્થીઓને અંધારામાં પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. જેના કારણે ટી.વાયના વિદ્યાર્થીઓએ સવારે આઠ વાગે પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે લાઇટો જ નથી. બીજી તરફ ઘણા ક્લાસરૂમમાં હવા ઉજાસ માટે બારીઓનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને અંધારામાં પેપર લખવું પડ્યું હતું. આજ રીતે સવારે 10:30 વાગે એમ.કોમના વિદ્યાર્થીઓએ પહેલું પેપર આપ્યું હતું. તે વખતે પણ વીજ પુરવઠો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું હતું. સૂત્રોનું કહેવું હતું કે ફેકલ્ટી દ્વારા વીજ કંપનીને અગાઉથી જાણ નહીં કરવામાં આવી હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય રીતે પરીક્ષા લેવાની હોય અને વીજ કંપનીને અગાઉથી ફેકલ્ટી જો સૂચના આપે તો મેન્ટેનન્સની કામગીરીનું સીડ્યુલ વીજ કંપની શક્ય હોય તો બદલતી હોય છે.