Get The App

વડોદરામાં એક બાજુ જળસંચય અભિયાન અને બીજી બાજુ તળાવો અડધા ખાલી કરવાની કામગીરી

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
વડોદરામાં એક બાજુ જળસંચય અભિયાન અને બીજી બાજુ તળાવો અડધા ખાલી કરવાની કામગીરી 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે તે માટે હાલ 20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ પ્રી-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે તળાવો 50% થી વધુ ખાલી કરવાનું કામ પણ ચાલુ કર્યું છે. આ કામગીરી કોર્પોરેશન વિચાર્યા વગર કરી રહી છે, જે બંધ કરી દેવાની રજૂઆત કોર્પોરેશનની બજેટ સભામાં કરવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના વોર્ડ નંબર એકના સિનિયર મહિલા કોર્પોરેટરએ સવાલ કર્યો હતો કે વિચાર્યા વગરની આ કામગીરી કોની સૂચનાથી થઈ રહી છે ? ઉનાળામાં ત્રાહિમામ ગરમીમાં પશુ પંખીઓ તળાવનું પાણી પીતા હોય છે, અને ગરમીની લીધે તળાવ અડધા એમ પણ સુકાઈ જતા હોય છે, ત્યારે ઉનાળા પહેલા જ તળાવ ખાલી કરી દેવાનું એડવાન્સ પ્લાનિંગ શા માટે હાથ ધરાયું છે તેનો જવાબ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કામગીરી ઉનાળા પછી પણ થઈ શકી હોત કેમ કે ગુજરાતમાં 20 જૂન પછી ચોમાસુ બેસતું હોય છે. જરૂર પડે તો જૂનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી શકી હોત. હાલ શહેરના 29 તળાવો ખાલી કરવાનું કામ 30 લાખના ખર્ચે થઈ રહ્યું છે, જે ખોટો નાણાકીય બગાડ છે. એક બાજુ જળસંચય અભિયાન ચાલુ કરાયું છે, અને બીજી બાજુ તળાવો ખાલી કરવાથી ભૂગર્ભ જળનું સ્તર પણ નીચે ઉતરશે.


Google NewsGoogle News