Get The App

આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ પણ સરકારી કેલેન્ડરમાં 14મીએ રજા

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ પણ સરકારી કેલેન્ડરમાં 14મીએ રજા 1 - image


વર્ષોથી 14 જાન્યુઆરીએ છે ઉજવણી  થતી હોય  શાસ્ત્રીજીઓના મતે રાત્રે 2.54 વાગ્યે સૂર્ય મકર રાશિમાં  પ્રવેશતો હોય મકર સંક્રાંતિ તા. 15મીએ ઉજવવી જોઈએ : આશરે 72 વર્ષે આ ફરક આવતો રહે છે

રાજકોટ, : ભારતીય વિક્રમ સંવંત તેમજ ઈસ્વીસન સહિત કોઈ પણ કેલેન્ડર મૂજબ સામાન્ય રીતે મકર સંક્રાંતિ વર્ષોથી તા. 14 જાન્યુઆરીએ જ આવતી હોય છે. ખૂબ ધામધૂમથી ઉજવાતો આ ઉત્સવ સૂર્યના મકર રાશિમાં પ્રવેશના દિવસે ઉજવાય છે ત્યારે આ વર્ષે મકરસંક્રાંતિ તા. 14ને બદલે તા. 15 જાન્યુઆરીના હોવાનું અનેક જ્યોતિષીઓ, શાસ્ત્રીજીઓએ જાહેર કર્યું છે તો બીજી તરફ સરકારના ઈ.સ. 2024ના જાહેર થયેલા રજાના કેલેન્ડરમાં મકર સંક્રાંતિની રજા તા. 15 જાન્યુઆરીએ જાહેર કરાઈ છે.

રાજકોટના શાસ્ત્રીજીએ જણાવ્યું કે તા. 14ના પતંગોત્સવ ઉજવી શકાય છે પરંતુ, દાન-પૂણ્યના પર્વ તરીકે થતી ઉજવણી તા. 15ના કરવી જોઈએ. કારણ કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તા. 14ની રાત્રે 2.54 વાગ્યે એટલે કે અંગ્રેજી કેલેન્ડર મૂજબ રાત્રે 12 વાગ્યે તારીખ બદલાયા બાદ થાય છે. દર આશરે 72 વર્ષે આ ફરક આવતો રહે છે. 

ઉલ્લેખનીય છે કે ગ્રહોનો રાજા અને સમગ્ર સૃષ્ટિનો પ્રાણ સૂર્ય દર મહિને રાશિ બદલાવે છે અને જે રાશિમાં પ્રવેશ તે નામથી સંક્રાંતિ કહેવાય છે પરંતુ, મકરસંક્રાંતિનું સદીઓથી અદકેરું મહત્વ રહ્યું છે. સૂર્યદેવના આ રાશિ ભ્રમણમાં દર વર્ષે 14 જાન્યુઆરીના ચોક્કસ સમયે જ પ્રવેશ હોતો નથી, થોડી મિનિટોનો ફરક હોય છે જેથી વર્ષો બાદ ઉત્તરાયણનો દિવસ બદલાતો રહે છે. આ વર્ષે તા. 14 જાન્યુઆરીએ રવિવારની જાહેર રજા પણ છે જેથી લોકો મોજથી પતંગોત્સવ ઉજવશે.જો તા. 15ના રજા જાહેર થાય તો સરકારી કચેરીઓ સતત બે દિવસ બંધ રહે તેમ છે. 


Google NewsGoogle News