ઉત્તર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ઉત્તર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ 1 - image


Mehsana Rain Update : મહેસાણા જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ સોમવારે વહેલી સવારથી મનમૂકીને વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 30મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 76 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં સોમવારે મેઘ મહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જે મુજબ મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ 2 - image

સોમવારે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં મહેસાણા જિલ્લામાં જળતરબોળની સ્થિતિ સર્જી હતી. મહેસાણા શહેરમાં ખાબકેલા સાડા પાંચ ઈંચથી વધુના વરસાદે નગરપાલિકાના પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી. ભમ્મરીયાળાનુ, ગોપીનાળુ, રામોસણા રેલવે અંડરપાસ, માલગોડાઉન અર્બન બેંક રોડ, મોઢેરા રોડ અને કરોડોના ખર્ચે નિર્માણ પામેલા મોઢેરા ચોકડીના ફોરલેન અંડરપાસમાં ઢીંચણ સમાન પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરંભાયો હતો. જયારે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં

સૌથી વધુ મહેસાણામાં સાડા  પાંચ  વિસનગર 6 , વિજાપુર પાંચ, વડનગર 3, જોટાણા 4, ઊંઝા 3, બેચરાજી અઢી ઈંચ વરસાદ ખાબક્યો  

મહેસાણા જિલ્લામાં દસેક  દિવસથી મેઘરાજાએ રિસામણા લીધા હોય તેમ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ હતી. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે મોડી રાતથી એકાએક વાતાવરમાં જોરદાર પલટો આવ્યો હતો. જ્યારે સોમવારે વહેલી પરોઢથી આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને ધીમીધારે સર્વત્ર વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસભર વિઝિબિલીટીમાં ઘટાડો રહેતાં હાઈવે તેમજ શહેરી વિસ્તારોમાં દોડતા દરેક વાહનને હેડલાઈટ ચાલુ  રાખવાની ફરજ પડી હતી.દરમિયાન એકાએક મેઘરાજાએ જિલ્લાભરમાં તોફાની બેટિંગ કરતાં દસ તાલુકાને જળતરબોળ કરી મુક્યા હતા. 

ઉત્તર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ 3 - image

સૌથી વધુ વિસનગર તાલુકામાં 6 ઈંચ, મહેસાણા સાડા પાંચ, વિજાપુર પાંચ, વડનગર 3, જોટાણા 4, ઊંઝા 3 અને બેચરાજીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત,સતલાસણા તાલુકામાં 44 મિ.મી., ખેરાલુ 41 મિ.મી. અને કડી તાલુકામાં 29 મિ.મી. વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા દર ચોમાસા અગાઉ કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી જાણે કાગળ ઉપર જ રહી ગઈ હોય તેવી દૂર્દશા સર્જાઈ હતી. 

ગોપીનાળા અને ભમ્મરીયાનાળામાં કેડ સમાન પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેના લીધે શહેરના બે વિસ્તારોને જોડતા એકમાત્ર ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ ઉપર વાહનો ડાયવર્ટ થતાં વારંવાર ચક્કાજામ થતો હતો. જયારે હાઈવે પર મોઢેરા સર્કલે કરોડોના ખર્ચે બનાવાયેલા ફોરલેન અંડરપાસમાં પણ વરસાદી  પાણીનો ભરાવો થતાં સ્વિમિંગ પુલ બની ગયો હતો અને અહીંના બન્ને તરફ બેરિકેડ મુકીને વાહનોની અવરજવર બંધ કરાવાઈ હતી.

આ પણ વાંચો : નડિયાદમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું

વળી, રાતદિવસ વાહનવ્યવહારથી ધમધમતા મોઢેરા રોડ તેમજઆસપાસના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.શહેરમાં રામોસણા રેલવે અંડરપાસ, રાજકમલથી અર્બન બેંક રોડ, ટી.જે.હાઈસ્કૂલ વિસ્તાર તેમજ કેટલીક સોસાયટી સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં સિઝનનો સરેરાશ 31૭ મિ.મી. વરસાદ તેમજ સોમવારે સરેરાશ 82 મિ.મી. વરસાદ નોંધાયો છે.

પાલાવાસણા સર્કલથી ખારી બ્રિજ સુધી કલાકો સુધી ટ્રાફિક જામ 

પાટણથી ગોઝારિયા સુધીના નિર્માણાધિનફોરલેન  હાઈવે પ્રોજેકટ અન્વયે મહેસાણા શહેરના પાલાવાસણા સર્કલ ઉપર ઓવરબ્રિજની કામગીરી થઈ રહી છે. જોકે,વાહન અવરજવર માટે તેની બન્ને તરફ સર્વિસ રોડની કામગીરી યોગ્ય રીતે કરાઈ ન હોવાથી શરૂઆતથી જ એજન્સી સામે સવાલો ઉભા થયા હતા. દરમિયાન ચોમાસામાં જનપથ હોટલ આગળ પાણીનો નિકાલ કરાયો ન હોવાથી વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે.સોમવારે પણ આ સર્વિસ રોડ પર ચક્કાજામ થતાં પાલાવાસણાથી ખારી નદીના બ્રિજ સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.

ઉત્તર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ 4 - image

મોઢેરા રોડ બેટમાં ફેરવાયું,અનેક વાહનો ખોટકાયા

મહેસાણા શહેરમાં આવેલા મહત્ત્વના મોઢેરા રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં જાણે બેટમાં પરિવર્તીત થઈ ગયો હતો. રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના પાણી ઘુસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે આ રોડ પરથી પસાર થતાં સંખ્યાબંધ વાહનોમાં પાણી ઘુસતા યાંત્રિક ખામી સર્જાઈને ખોટકાયા હતા.

મહેસાણા શહેરનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ 

મહેસાણા શહેરના હાઈવે પર મોઢેરા સર્કલ ઉપર કરોડોના ખર્ચે નિર્માણ પામેલા અંદાજિત એક કિલોમીટર લાંબા ફોરલેન અંડરપાસમાં કેડ સમાન પાણી ભરાઈ જતાં લોકોને સ્વિમિંગ પુલ જેવો અનુભવ થયો હતો. સતત ભરાઈ રહેલા વરસાદી પાણીને કારણે કલાકો સુધી તંત્ર દ્વારા બેરિકેડ મુકીને બન્ને તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ 5 - image

દિવસભર ઢીંચણસમા પાણી નહીં ઓસરતા ગેરરીતિ સામે આવી

મહેસાણા શહેરમાં સોમવારે સાડા પાંચથી વધુ વરસાદ ખાબકતાં તંત્રની પોલ ઉઘાડી પડી છે. હાઈવે પર ત્રણેક વર્ષ પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયેલા અને રૃપિયા 14૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા મોઢેરા ચોકડી ફોરલેન અંડરપાસમાં કેડ સમાન પાણી ભરાઈ ગયા હતા. જેમાં ટેન્ડરમાં જોગવાઈ અનુસાર 12 લાખ લીટર પાણીના સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા 4 અંડરગ્રાઉન્ડ સમ્પ અને વરસાદી પાણીને ખારી નદી સુધી પહોંચાડવા પંપ તેમજ બે પાઈપલાઈનો નાંખવામાં આવી હોવા છતાં વરસાદના પાણીનો દર ચોમાસામાં ભરાવો થવાની સમસ્યા થતી હોય છે. સોમવારે વરસાદની તોફાની બેટિંગને પગલે અંડરપાસમાં પાણીનો ભરાવો થતાં  સ્વિમિંગ પુલ જેવો ઘાટ સર્જાયો હતો. તંત્રને   સલામતીના ભાગરૃપે બન્ને તરફ બેરિકેડ ગોઠવીને કલાકો સુધી વાહનવ્યવહાર બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ પાણી ઓસરતાં અંડરપાસમાં થઈને વાહનોની અવરજવર રાબેતામુજબ શરૃ કરવામાં આવી હતી.

ભમ્મરીયાનાળામાં એક સ્કૂલ બસ ખોટવાતા 30 બાળકોને રેસ્કયુ કરાયા

મહેસાણા શહેરમાં સોમવારે પડેલા  સાડા પાંચ ઈંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં  ગોપીનાળામાં એક સ્કૂલ બસ ખોટવાતા અંદરથી સ્થાનિક લોકોએ 30 જેટલા બાળકોને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા. તો ભમ્મરિયા નાળામાં ફસાયેલા એક ટ્રેકટર પરથી સાત  વિદ્યાર્થીનીઓને પાલિકાની ફાયરની ટીમે હેમખેમ બહાર કાઢી હતી. 

ટ્રેકટરમાં બેસીને જતી 7 વિદ્યાર્થિને ગોપીનાળામાંથી બચાવાઈ

મહેસાણા શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે ઠેરઠેર વરસાદના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં મોઢેરા ચોકડીથી તોરણવાળી માતાનો ચોક તરફ જતા રોડ ઉપર આવેલા ભમ્મરીયાનાળામાં કેડ સમાન ભરાયેલા વરસાદી પાણીમાં એકાએક વિદ્યાર્થીઓ ભરેલી એક સ્કૂલ બસ ખોટવાઈ ગઈ હતી. જેની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને માનસાંકળ બનાવીને સ્કૂલવાનમાં બેઠેલા 30 જેટલા બાળકોને સહિસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેવીજ રીતે સાત વિદ્યાર્થિનીને લઈને જતા એક ટ્રેકટર શહેરના ગોપીનાળામાં ભરાયેલા કેડ સમાન  પાણીમાં ફસાયું હતું. જેની જાણ થતાં મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ટ્રેકટર પરથી આ વિદ્યાર્થીનીઓને રેસ્કયુ કરીને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી.


Google NewsGoogle News