જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં ત્રાંબા-પિત્તળના વાસણોની ચોરી કરનાર તસ્કર બેલડી રાજકોટથી પકડાઈ
Jamnagar Theft Case : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં-10 માં આવેલા એક વાસણના વિક્રેતાના ગોડાઉનને પરમદિને મોડી રાત્રે ત્રાંબા અને પિત્તળના બેડા, તપેલી,બોટલ સહિતના રૂપિયા એક લાખ 21 હજારની કિંમતના વાસણોની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રાજકોટમાંથી બે તસ્કરો ઝડપી લીધા છે. જેઓ પાસેથી વાસણો કબજે કરી લેવાયા છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 11 માં રહેતા અને મહાદેવ વાસણ ભંડાર નામની વાસણની દુકાન ચલાવતા બલરામભાઈ રૂપચંદભાઈ પારવાણી નામના વેપારીના વાસણનું ગોડાઉનમાંથી તા.17મીએ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં 48 નંગ ત્રાંબાના બેડા, 110 ત્રાંબાની બોટલ તેમજ 36 નંગ પિત્તળની તપેલી સહિતના વાસણોની ચોરી થઈ હતી. જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને રાજકોટમાંથી બે તસ્કરો પકડાયા છે. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા વિજય સોલંકી તેમજ જેતપુરના રહેવાસી રાકેશ સોલંકીની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી 48 નંગ પાણીના બેડા, તેમજ પાણીને બોટલ અને તપેલી સહિતનો તમામ સામાન કબજે કરી લેવાયો છે. જામનગર પોલીસ દ્વારા બંને તસ્કરોનો કબજો સંભાળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.