ચારધામ યાત્રાએ ગયેલા બિલ્ડરના ઘરમાંથી ચોર આખી તિજોરી જ ઉઠાવી ગયા
ભાયલી મોનાલિસા લેકવૂડ સોસાયટીના ત્રણ મકાનોના તાળા તોડી હાહાકાર મચાવતા ચોર
વડોદરા,પત્ની સાથે ચારધામ યાત્રાએ ગયેલા બિલ્ડરના ઘરમાંથી ચોર ટોળકી આખી તિજોરી જ ઉઠાવી ગઇ હતી. એક જ સોસાયટીના ત્રણ મકાનોના તાળા તોડી ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે.
ભાયલી મોનાલિસા લેકવૂડ સોસાયટીમાં રહેતા બિલ્ડર ઇરીનભાઇ વસંતભાઇ પટેલ ગત તા.૧૭ મી એ પત્ની સાથે ચારધામ યાત્રા પર ગયા હતા. ૨૫ મી તારીખે તેઓ બદ્રીનાથ હતા. તે સમયે સોસાયટીના રહીશ વિશાલભાઇએ ચોરીની જાણ કરી હતી. તેમણે વીડિયો કોલ કરીને ઘર બતાવતા તિજોરી જ નહતી. જેથી, ઘરને બીજું તાળું મરાવી દીધું હતું. આ જ સોસાયટીમાં રહેતા ચિરાગ પ્રકાશભાઇ પારેખ તથા રજત ગર્ગના મકાનમાંથી પણ ચોરી થઇ હતી. પરંતુ, કેટલા રૃપિયાની ચોરી થઇ છે ? તે જાણી શકાયું નથી. ચોર ટોળકી ઇરીનભાઇના ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ ૧.૭૬ લાખની મતા લઇ ગઇ હતી.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, તાંદલજાની મધુરમ સોસાયટીમાં રહેતા રીયાસુદ્દીન હુસેનભાઇ મેલેક ગુજરાત રિફાઇનરીમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બાળકોનું વેકેશન હોવાથી ગત તા.૧૧ મી મે ના રોજ ચાર વાગ્યે તેઓ અમદાવાદ ખાતે સાસરીમાં અઠવાડિયું રહેવા માટે ગયા હતા. તા.૧૫ મી એ સાંજે છ વાગ્યે પાડોશીએ ચોરી થયાની જાણ કરતા તેઓ ઘરે પરત આવ્યા હતા. ઘરે આવીને જોયું તો દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. ઘરમાં જઇને જોયું તો સામાન વેરવિખેર હાલતમાં હતો. સોના - ચાંદીના ૧.૮૫ લાખની મતાના દાગીના ચોરી ગઇ હતી.