ગોત્રી બ્રિજ પાસે બે દુકાનમાંથી ચોરો 1.80 લાખ રોકડા ચોરી ગયા,મુસાફરનું પર્સ ચોરનાર રિક્ષાચાલક પકડાયો
વડોદરાઃ ગોત્રી હરિનગર બ્રિજ પાસે ચોરોએ બે દુકાનોમાં હાથફેરો કરી રોકડ રકમની ચોરી કરી હતી.
હરિનગર બ્રિજ પાસે આવેલા સાંઇ સંતોષ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર સ્વીટ એન્ડ ફરસાણની દુકાન ધરાવતા રમેશભાઇ પટેલે કહ્યું છે કે,તા.છઠ્ઠીએ રાતે દુકાન બંધ કરી હતી.
બીજા દિવસે સવારે દુકાન ખોલી ત્યારે ગલ્લો અને સામાન વેરવિખેર હતા.તપાસ કરતાં પહેલા માળે પાછળના દાદર વાટે દરવાજાનો નકૂચો તોડીને ત્રાટકેલા ચોરો દુકાનમાંથી રોકડા રૃ.એક લાખ ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
આવી જ રીતે બાજુમાં આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાંથી પણ ચોરો રોકડા રૃ.૮૦ હજાર ચોરી ગયા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.
મુસાફરનું રોકડ રકમવાળું પર્સ ચોરનાર પેટલાદનો રિક્ષાચાલક પકડાયો
ગોરવા પોલીસે જયનારાયણ ત્રણ રસ્તા પાસેથી એક રિક્ષા ચાલકને આંતરી પૂછપરછ કરતાં તેણે ગઇ તા.૩૦મી ડિસેમ્બરે સુપર માર્કેટ ખાતેથી એક મુસાફરને બેસાડી તેના ખિસ્સામાંથી પર્સ કાઢી લીધું હોવાની કબૂલાત કરી હતી.આ પર્સમાં રોકડા રૃ.૧૧ હજાર હતા.પોલીસે પેટલાદના દેવકુવા ત્રણ બત્તી ખાતે રહેતા મોહસીનહુસેન રિફાકતહુસેન અબ્દાલની ધરપકડ કરી રિક્ષા કબજે કરી હતી.